પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બિના ગણાય. 'પાનકોર ડોશી' તદ્દન કલ્પિત પાત્ર છે. પણ પેલી પાલાગાડીઓનું વર્ણન વાંચીને મારા પિતૃ-ગામ બગસરાનોઇ કોઈ વતની મારી અથવા તેની માતાને પાનકોર ડોશીના પાત્ર જોડે બંધબેસતી કરવા મથે તો તેને મારવાનું જ મન થાય.

અનુભવોના તો જીવનને માર્ગે વગડા ને વગડા પડેલા છે. મનની મધમાખી ભમતી ભમતી કેરડાં, આવળ અને આંબાઆંબલીનાં ફૂલોમાંથી ય પરાગ પી લે છે. એનું મધ સર્જનના મધપૂડાને પૂરે છે. કયા ફૂલના પરાગમાંથી બનેલું કેટલું મધ , તે તો કોણ જાણે!

અનુભવોના સંઘરા જ્યાંથી ને ત્યાંથી થયા જ કરે છે. લેખન જેનો વ્યવસાય હોય છે તે માણસનું દુર્ભાગ્ય એવા સંઘરાનો ભાર, એ મધુરૂપ ન ધારણ કરી લ્યે ત્યાં સુધીને માટે વહેવાનું છે. ફૂલોની રજને સાહિત્યના મધુસ્વરૂપે પલટી નાખવાની કલા વેદનાઓથી ભરેલી હોય છે. એ રૂપાન્તર, એ રસાયન, એ મેળવણી પાંચ-દસ વ્યક્તિઓની વિડમ્બના માત્રમાંથી નથી નીપજતી. ને વાચકને જ જો એમાં વ્યક્તિપ્રહાર ભાસે તો વાર્તાલેખનની કલા આપોઆપ પોતાની નિષ્ફલતાને સિદ્ધ કરી આપે છે.

આપણો સમાજ જેમ રૂપાન્તર પામતો જાય છે, તેમ તેમ સમસ્યાઓ પણ એની રૂપાન્તર પામતી જાય છે. સંસારની દિન પર દિન પલટાતી આ અનંત લીલાને લેખક ફાવતી રીતે નિહાળી નિહાળી એનું પોતે કરેલું કૌશલયુક્ત પૃથક્કરણ, સમગ્ર દર્શન તેમ જ જુદા જુદા ખૂણાઓ પર ઊભીને કરેલું દર્શન બીજાઓને બતાવવામાં આનંદ માને છે, પોતાના આનંદમાં અન્યને સાથીઓ બનાવે છે ને ગર્ભિત ભાવે જાણે કે એ અન્યને પૂછે છે કે 'કેમ, આ વાતનું રહસ્ય તને આમ જ લાગે છે ને?'

આથી મહત્તર કોઈ ઉદ્દેશને આ વાર્તાકારના શિર ઉપર નહિ આરોપો તો ઉપકાર થશે.

પાત્રાલેખન પરત્વે તદ્દન નિસ્પૃહી રહી શકતો વાર્તાકાર વંદનને પાત્ર છે. છતાં લખનાર કોઈ પાત્રનો પક્ષ ન લેતાં અળગો ઊભો રહી પોતાની સહાનુભૂતિ, કરુણા અને મૃદુતા અમુક અમુક પાત્રો ઉપર ન ઢળવા દે તે

[8]