પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાતપસ્યાનું ફલ, કો દેવનું વરદાન દીઠું, સવિતા એને પરમેશ્વરી-શી લાગી, પત્નીએ હ્રદયના ક્યા ગુપ્ત આવાસમાં આ બાલને સંઘરી રાખ્યું હતું!

દાઈએ કહ્યું: "અંદર આવ: જોવો છે ને બચ્ચાને?"

"સવિતા જાગી છે? એણે કહ્યું છે?" દાદાના પાંચ ગડદા સંભારીને કાળુએ પૂછી જોયું.

"હા; આવ."

કાળુ અંદર ગયો. કોઈ દેવાલયમાં, કોઈ પ્રાચીન ખંડેરમાં, દાખલ થાય તેવી શાંત પગલીઓ ભરીને એ સવિતાના ખાટલા સુધી પહોંચ્યો. એનો હાથ હળવેથી ઝાલીને પોતાના મોં પર મેલવાની, પોતાના ગાલ પર ફેરવવાની, પોતાની છાતી પર ઠેરવવાની ઇચ્છા થઈ - પણ આભડછેટ નડી.

'આ-હા-હા-હા!' ગમાર કાળુના અંતરમાંથી હજુયે અચરજ મટતું નથી કે 'આવા જીવતા જીવની માનવી જેવા માનવીની ભેટ મને મારી સવિતાએ ક્યાંથી આણીને આપી? ક્યાં સંઘર્યું હતું આ ગુપ્ત ધન! કેવું રૂપાળું બાળક!'

સવિતા કશું બોલી નહિ; પણ ધણીની આ મૂંગીમૂંગી ભક્તિ દેખીને એની આંખો ભીની થઈ. કોણ જાણે શાથી, પણ કાળુએ પ્રથમ બારણામાં પગ મૂક્યો ત્યારે સવિતાનું મોં લોહી વિનાનું. ભયભર્યું અને લજ્જાથી તૂટી પડતું હતું. એને ધણી આટલી મમતા કરશે એવો ભરોસો નહોતો. જાણે એ કોઈ ભયંકર ફેંસલો સાંભળવા થઈ રહેલ અપરાધિની હતી.

પણ તેને બદલે સવિતાએ ધણીની આંખમાં મીઠાશનાં સરોવરો ભાળ્યાં.

ઘરમાં કોઈ મોટેરું-નાનેરું આત્મજન નહોતું. સવિતાના બાપ કાશીની જાત્રાએ ચાલ્યા ગયા હતા; મા મૂએલી હતી. કાળુને તો નાનપણથી જ એકલદશા મળી હતી. પોતે પંદર દિવસની રજા પર ઊતરી ગયો હતો. એના ખરા આપ્તજન નસરવાનજીદાદા જ હતા. એ પારસી દાક્તર ગામ સમસ્તના આધાર હતા. એમણે એક આયાને કાળુને ઘેર કામકાજમાં રોકી