પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીધી.

એક મહિનો થઈ ગયો. પણ હજુય કાળુને ઘરમાં જાણે કે કોઈ ચમત્કાર બનેલો લાગ્યા કરે છે: 'આહા! સવિતાએ મને એક માનવીની ઓચિંતી ભેટ આપી. સવિતા પરમેશ્વરની કેટલી બધી નજીક હશે!' બાળકોને જન્મ દેનારી બધી જ જનેતાઓ એને સર્જનહાર સાથે સીધી ઓળખાણવાળી લાગી. અને પુરુષોમાં તો એવા એણે એકને જ માન્યા હતા: દાદાને.

પણ... આ બધાં લોકો મારી પછવાડે હસતા શા માટે હશે? કાળુના મનમાં સમસ્યા ઊપડી. એ ચાલ્યો જતો હોય તો પાછળ બાઈઓ ગુસપુસ કરી રહેતી:

"આ ઓલીનો વર - વિવાહ પછી પોણાસાત મહિને જ..."

એટલે આવીને એ વાક્ય ભાંગી જતું. ખિખિયાટાથી એ અધૂરું વેણ પૂર્ણવિરામ પામતું.

ગાડી ઉપર કાળુ કામે જાય ત્યારે પાનપટ્ટી ઉપર ચૂનો-કાથો ચોપડતા ઊભેલા નાનામોટા અમલદારોથી લઈ હાથમાં ઝંડી-ફાનસ લઈ ફરતા સાંધાવાળાઓ પણ મોં મરોડીને હસતા: "કાં, કાળુ! છોકરું મજામાં છે ને! ચહેરોમોરો કોને - તને મળતો છે, કે એની બાને?"

"હજુ અત્યારથી શી ખબર પડે?" કાળુ સહેજ મોં મરકાવીને જવાબ આપતો. ને સાચોસાચ, એનું બાળક બેમાંથી કોની સૂરત પ્રગટ કરે તો સારું, તે વાતની એના મનમાં મીઠી ચળ ઊપડતી. આખરે એ મનથી નક્કી કરતો કે 'બસ, મારો બાળક સવિતાનાં જ રૂપરંગ ધારણ કરે તો સારું. મારા રૂપમાં તો શું બળ્યું છે!'

આખી રાત ગાડીમાં જાગતો એ વીજળી બત્તીની જ્યોતોને બાળકની આંગળીઓ સાથે જ સરખાવી રહેતો.

પરંતુ... આજ આટલાં વર્ષો લગી મારી એક કૂતરા જેટલી પણ ગણતરી નહોતી ને હવે આ બધાં લોકો કેમ મારા ઉપર આવડું ધ્યાન આપી રહેલ છે? મારા જંતુ જેવા ક્ષુદ્ર જીવનમાં આ તમામને નવો રસ