પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્યાંથી ઊભરાઈ નીકળ્યો છે! મારા સામે આંગળીઓ કાં ચીંધાઈ રહી છે? લોકો આટલા બધા સ્નેહભાવે મારા ને મારાં વહુ-બાળકના ખબર કાં પૂછે?

બોતડ કાળુને ધીરે ધીરે રહસ્ય સમજાયું: 'આ લોકો મારું ટીખળ કરે છે. મારી સવિતાને લગ્ન પછી સાત જ માસે બાળક જન્મ્યું, એ બનાવની પાછળ એક લોકાપવાદ ઊભો થયો છે.'

'બાળકનો સાચો બાપ હું નથી - કોઈ બીજો...'

પછી તો આખી સાંકળના મકોડા કાળુના મનની સ્મૃતિમાં બેસતા ગયા...

સવિતાનો બાપ મારો પાડોશી હતો. હું જ્યારે જ્યારે 'લાઈન' પર જતો ત્યારે કંઈક ને કંઈક ચીજ લાવીને સવિતા સારુ દઈ આવતો. એના બાપા મને આવકાર આપતા; પણ સવિતાના અને મારા વિવાહની વાત તો એને સ્વપ્નેય સૂઝે તેવું નહોતું. ક્યાં એ શુદ્ધ કુલીન બ્રાહ્મણ, ને ક્યાં હું કુળહીણો, લઘરવઘર, ઊતરેલ ધાન સમાન, નામનો જ માત્ર જનોઈધારી! હું સવિતાને ભવિષ્યની અર્ધાંગનાના ભાવે જોઈજોઈને જ બધી ભેટો લાવું છું, એવું લાગે તો તો એ બ્રાહ્મણ મને કુત્તાને હવાલે જ ઘરનું બાર છોડાવે તેવો હતો. એમાં એકાએક ઓચિંતા એણે તે દિવસે મને કન્યા દેવાનું મન જાહેર કર્યું, અને 'કાળુ શર્મા, દરદાગીના કે લૂગડાંની કશી તરખડ કરવાની નથી...' એવું અભયવચન દીધું: પૂરી તિથિ પણ બરાબર જોયા વગર મૂંગામૂંગા અમારો હસ્તમેળાપ કરાવી આપ્યો; અને સવિતાને મારા શૂન્ય, નિર્જન ઘરમાં તે ને તે સાંજરે વળાવી આપી. પોતે, એકદમ વૈરાગ્ય ઊભરાયો હોય તેમ, જાત્રાએ નીકળી પડ્યા: જતી વેળા ન એની પુત્રી પ્રત્યે કે ન મારી પ્રત્યે કોઈ મમતાની લાગણી પણ બતાવી: જાણે કોઈ ચુડેલની ચૂડમાંથી છૂટવા માગતા હોય તેમ નાસી ગયા: એ બધું શા માટે એમ બન્યું?

કાળુને એ કોયડાનો ઉકેલ હવે જડ્યો: સવિતાના ઉદરમાં પાપ હતું. એના બાપે મને 'બળતું ઘર કૃષ્ણાર્પણ' કર્યું હતું; કન્યાદાન નહિ પણ