પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝેરી નાખું: જરીક હોય તેમાં દૂધ ભેળવીને થોડું જાયફળ ભભરાવું: એ આ શ્રીખંડ છે! હું આ ખરચ નથી કરતી; બીઓ મા: ખાઓ તમતમારે!"

કોઈ વાર સાંજે એ આવે ત્યારે ખાટલો, બાંકડો અને ફાનસ મૂકવાની ઘોડી સફેદા વતી રંગેલાં નવાંનકોર નીરખીને કહે: "આ શું ફનાગીરી માંડી છે! આપણે સાહેબલોક કે'દુનાં થઈ ગયાં!"

એનું મોં દાબી દઈને સવિતા સમજાવે કે "સાંભળો તો ખરા! બે પૈસાનો સફેદો અને પૈસાનું બેલતેલ મંગાવીને મેં જ રંગ્યા છે આ."

"તેં પોતે જ?" કાળુ ચકિત થતો.

"હા. પણ તમે કહો જોઉં, ભલા: અર્ધા પૈસાનો પિરોજી રંગ મંગાવીને આને માથે અક્કેક આછી દોરી કાઢી હોત તો કેવું સરસ લાગત!"

હાઈકોર્ટની ફૂલ બેન્ચના જજોને પણ ઝાંખા પાડે તેવું ભારેખમ મોઢું કરીને કાળુ જોઈ રહેતો. ને પછી ડોકું ધુણાવીને કહેતો કે "ના રે! તો તો સફેદ રંગની ખૂબી મારી જાય!"

એ રીતે કાળુના ફાટેલ ધોતિયામાંથી આછા જળેલા ટુકડા રંગત સાડલાના ટુકડાની કિનાર ભરેલ પડદાઓ બનીને ઘરની બારી આડા લટકતા થયા. જૂનાં, ઊતરેલાં પહેરણોની ચાળમાંથી ટુકડા કાઢી, તેની કોર ઓટી છ-બાર નૅપકીન સવિતા સંઘરી રાખતી, અને કોઈ મહેમાન જમવા આવે ત્યારે દરેક થાળીની બાજુમાં અક્કેકઅક્કેક મૂકતી.

આમ સવિતાએ કાળુના શૂન્ય ઘોરખોદિયા નિવાસને સાચી કવિતા વડે સજાવ્યો હતો. એ સાત મહિના તો સાત દિવસની પેઠે વહી ગયા હતા. ને છતાં - યાદ કરતો ગયો કે છેલ્લા એક માસથી સવિતાની જૂની અકળામણ સજીવન થઈ હતી. એ જાણે ક્યાંઈક નાસી છૂટવાના મનસૂબા કરતી હતી; વિના કારણે રો રો કરતી હતી.

આ બધા ફૂલ-ઢગલાની નીચે પેલો પાપનો સર્પ બેઠો હતો - ખરું?

કાળુને કલેજે ઝેર ચડવા લાગ્યું. લોકમુખના બોલની બદબો એનાથી સહી જાતી નહોતી. ઘડીક થતું કે આ ગંદું બોલનારાંની ગરદનો મારાં પાંચ પહોળાં આંગળાંમાં પીસી નાખું! ઘડીક સવિતા પર કાળ ચડતો: ઘડીક