પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની જિંદગી ખતમ કરવાનું મન થતું.

નાસી જાઉં: આંહીંથી ક્યાંઈક દૂરદૂર નીકળી જાઉં: આ સાત મહિનાના સંસારને છેક ભૂંસી નાખું: એવા વિચાર ઊપડ્યા. સવિતા અને બાળક સાંભરી આવ્યાં, તેને જાણે આંખોની સામેથી ખેસવી નાખતો હોય એવી રીતે એ વારંવાર હાથ પસારવા લાગ્યો.

આજે સવા મહિને નહાઈને સવિતા ઊઠી છે. ક્યાંઈક બહાર ગઈ છે. પોતાને ઑફ ડ્યુટી'નો દિવસ છે. છેલ્લો નિકાલ લાવ્યા વિના એ રાત પણ કાઢવી કઠણ છે. કાળુને એક વાત સૂઝી: 'દાદાને ખોળે દિલ ઠાલવીને એક વાર રસ્તો સમજી લઉં, પછી મન નહિ માને તો એક જ ઠેકે દુનિયાની બહાર ભુસ્કો મારીશ. લોકોનું બોલ્યું હવે મારાથી સહ્યું જતું નથી.'

નસરવાનજીદાદાના દવાખાનાના કમ્પાઉન્ડમાં કાળુ જ્યારે પહોંચ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. પચીસેક સુવાવડીઓના ખાટલા સમાય તેવી નાનકડી દરિદ્રનારાયણ ઇસ્પિતાલ શાંતિમાં પડી હતી. બાળકોના રુદન-સ્વરો એ આખા ધામને સજીવન બનાવતા હતા. કોઈ કોઈ ભાડૂતી ઘોડાગાડી આવીને ઊભી રહેતી, અને અબોલ દાઈઓ શ્વેત પડછાયાઓ જેવી તરવરતી હતી. આત્માને - દુરાત્માને પણ નમવાનું મન થાય એવું એ વાતાવરણ હતું. જાણે કોઈ અકળ, અગમ ધૂપ ફોરતો હતો. દવાખાનાની નજીકમાં જ નિરાળો, બેઠા ઘાટનો દાદાનો બંગલો હતો. મોખરે ફૂલઝાડોની ઘટાદાર કુંજ હતી.

કાળુનાં પગલાં થંભ્યાં. કુંજની અંદર દાદા કોઈ બીજા એક માનવીની સાથે વાતો કરી રહેલ હતા. સૂર પરખાયો... અને શબ્દો પણ પકડાયા.

એ તો સવિતા જ હતી! બાળકને ખોળામાં ધવરાવતી એ ભોંય પર બેઠી હતી. દાદા જરી છેટે બાંકડા પર બેઠા હતા. વાતના તાર બંધાઈ ગયા હતા; તેમાંથી કાળુના કાને શબ્દો પડ્યા:

"શું કરું, દાદાજી! હું તે દિવસે પાપમાં લપસી પડી. રજપૂત પાડોશીને ઘેર હું લગ્નનાં ગીત ગાવા કોણ જાણે ક્યાંથી જઈ ચડી, અને એ અમલદારના દીકરા કરુણભાનો હું ભોગ થઈ પડી, દાદાજી!"