પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાળુના રોમેરોમે શૂળા પરોવાઈ ગયા.

"તે પછી તો, દાદાજી, મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારી પ્રાણદોરી ખેંચી લ્યે. હું તો તે દિવસે મારી આવરદા ટૂંકી કરવા જ બેઠી હતી; રાતનાં અંધારાં ઊતરે એટલી જ વાર હતી. ત્યાં તો આ આવ્યા, ને મારા બાપાએ એની પાસે વાત મૂકી. એણે કબૂલ કર્યું. મને લાગ્યું કે જગદીશ્વરીએ જ મારી ધા સાંભળી."

"બેટા!" દાદા બોલ્યા: "એમ સમજીને તેં કાળુનો અવતાર બગાડી નાખ્યો?"

સવિતાના ધ્રુસકા સ્પષ્ટ સંભળાતા હતા.

"સાચું છે. મારા પોતાના પાપનું મને જેટલું લાગી આવે છે તે કરતાં વધારે તો મને આ છેતરપિંડીની વાત પીડે છે. મેં શીદ આ ભોળા જુવાનનું જીવતર રોળી નાખ્યું..." સવિતા ખૂબ રડવા લાગી: 'મને આ છેતરપિંડી બહુ ન ડંખત જો મારે ને એને સાધારણ ઘર-સંસાર હોત તો. પણ, દાદાજી, એ બાપડો મને શું પૂજે છે! શું પૂજે છે! અરે, મને ઈશ્વરથી બીજી ગણીને ભજે છે. એને મેં...'

"અને તને એના ઉપર કેવું વહાલ છે, બેટા?"

"હું શું કહું, દાદાજી!" સવિતાએ છોકરાના માથા પર હાથ મૂક્યો: "એનું કલંક ધોઈ નાખવા સારુ તો હું મરવાના જ મનસૂબા કરું છું. હું તો હવે ગંધાઈ ગયેલ હાંડલું થઈ ગઈ. મને હવે કોઈનો ભો નથી. પણ આની સાથે જીવ એવો મળ્યો છે કે જળમીનની ગતિ છે. એના હેતને કારણે હું એ કહે ત્યાં ચાલી જઈશ; કહેશે તો ટૂંપો ખાઈશ."

સંતાયેલો કાળુ વધારે સાંભળી ન શક્યો. એ ત્યાંથી ચાલવા ઊભો થયો. દાદાજીનું છેલ્લું વેણ એના કાનમાં ઝિલાતું ગયું:

"જા, બેટા! આવડો બધો પ્યાર તો ચાહે તેવા પાપને પણ જલાવી નાખે છે. પાપ રહ્યું જ ક્યાં! અને બાળક? બાળક તો બીજા કોઈનું નથી - ભગવાનનું છે: એને કોણ પાપ કહી શકે! આવડા બધા હેતની આગ પાસે પાપ ખાક થઈને જ પડે. તું જા; અને ઘેર જઈને બધી કબૂલાત કરી