પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેજે. જો એનો પ્યાર ખરો હશે તો દુનિયા જખ મારે છે; છતાં જો એનું દિલ ન ચાહે. તો તું બચ્ચું લઈને ખુશીથી આંહીં ચાલી આવજે."

કાળુ ત્યાંથી નીકળી ગયો; અંધારે અંધારે તળાવની સડકે ચાલતો થયો. દાદાના છેલ્લા બોલ એના અંતઃકરણમાં ગુંજતા હતા: સાચા પ્યારની આગમાં પાપ બળીને ખાક થાય છે... બાળક તો કોઈનું નથી - એકલા ભગવાનનું છે... સાચો પ્યાર હોય તો દુનિયા જખ મારે છે.

વાળુટાણે એ ઘેર ગયો. હંમેશની માફક એણે સવિતાનું માથું બન્ને હાથમાં લીધું. પોતે પતિને અભડાવતી હોય એમ એ ધીરેથી દૂર હટી ગઈ. એણે શરૂ કર્યું:

"આજે હું દાદા પાસે ગઈ હતી."

"મને ખબર છે."

"ક્યાંથી?"

"હું ત્યાં હતો."

"તમે બધું સાંભળી ગયા છો?" સવિતા ફફડી ઊઠી.

"ના, બધું સાંભળવાની જરૂર નહોતી. ફક્ત એટલું જ યાદ રાખ્યું છે કે - સાચા પ્યારની આગમાં પાપની ખાક થાય છે: બાળક ઈશ્વરનું છે: ને દુનિયા જખ મારે છે."

ઘોડિયે પોઢેલા બાળક ઉપર એ લળી પડ્યો.

અને પછી કાળુએ જ્યારે સવિતાને હૈયાસરસી લીધી, ત્યારે આઠ મહિનામાં તે દિવસ પહેલી જ વાર કોઈ નિષ્પાપ, હળવાફૂલ જેવી બનીને સવિતા એની છાતી ઉપર ઢળી પડી.