પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ઠાકર લેખાં લેશે!


"તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!"

પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક ઊંચી મેડીના બંધ થતાં બારણાં સામે ઠેરાયેલી હતી. બોલતાં બોલતાં એણે ઠાલવેલો એક નિશ્વાસ જાણે કે ઠાકર પરની આસ્થાના આકાશે અડકતો એક થાંભલો રચતો હતો.

શહેરની એ એક દેવમંદિરવાળી પોળ હતી; અને તે કારણે શહેરનાં લોકો જેટલે દરજ્જે શ્રધ્ધાથી ભીંજાયેલાં રહેતાં હતાં, તેટલે દરજ્જે એ પોળ પણ સદૈવ કાદવકીચડથી ભીંજાયેલી રહેતી. એ કચકાણ પર પદમાની ટોપલીનો દસ શેર લોટ ઠલવાયો કે તત્કાળ કૂતરાંનાં ટોળાંએ ત્યાં મહેફિલ જમાવી દીધી.

ખાલી ટોપલીને હાથમાં ઝુલાવતો પદમો ચાલતો થયો; પણ બબ્બે ડગલાં માંડીને એ પાછો અટકતો હતો. અને એ ઊંચી મેડીનાં કમાડ સામે ઘાતકી નજરે તાકતો હતો. મનુષ્યની આંખોના ડોળા એ જો વછૂટી શકે તેવા તોપગોળા હોત તો જીવનભરનો અંધાપો સ્વીકારીને પણ પદમા કણબીએ એ મેડીને ફૂંકી દીધી હોત.

લોકોનું ટોળું તો તરત એકઠું થઇ ગયું. રોજગાર વિનાના દુકાનદારોને આ એક રમૂજનો અવસર સાંપડ્યો. પદમાને તરેહતરેહના દિલાસા આપવા લાગ્યાઃ

"અલ્યા પદમા, મૂરખા, એ તો સતગુરુની પરસાદી લેખાય!"

"અલ્યા, આજે મોટે દા'ડે તારે કૂતરાં ધરાવવાનું પુણ્ય સરજ્યું હશે!"