પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જર્મન તત્વવેતા ગંટિંજન અને રશિયન ગ્રંથકર્તા વોચાસ્કીનું પણ એવું જ મંતવ્ય છે કે..." એમ એક લાંબું અંગ્રેજી અવતરણ કહીને એક ભવ્ય મુખવાળા સાધુએ સર્વને ચમકાવ્યા. એના ચશ્માંની આરપાર ફિક્કી આંખો ફરતાં ગોળ, કાળાં ચકદાં દેખાતાં હતાં.

"ઓહોહોહો!" પોતાની પેટીમાંથી સાધુઓને માટે ઊંચી ઔષધિઓનાં પડીકાં વાળતાં, ખાસ તેડાવેલ વૈદરાજે વિસ્મય બતાવ્યું: "ગુરુશ્રી, આપ તો એ બધા પાશ્ચાત્ય તત્વજ્ઞોને પણ ઘોળી ઘોળી પી ગયા દીસો છો!"

આઠ-દસ અનુયાયીઓ ત્યાં બેઠેલા હતા, તેઓએ ખાતરી આપી કે ગુરુશ્રીનું કોઇ પણ પ્રવચન એવાં પંદર અવતરણો વગરનું જતું નથી; વેદ, કુરાન તેમ જ બાઇબલનાં પણ અનેક સમાન સૂત્રો પોતે ટાંકી બતાવે છે.

વૈદને વીંટળાઇ વળી કેટલાક શિષ્યો ભાતભાતની બીમારીઓની ફરિયાદ કરતા હતા, તે વેળા બાજુના ખંડમાં બે સુંદર કૂકડાની પેઠે કલહ કરતા હતાઃ

"શા માટે તમે મારી પાછળને પાછળ ચોકી કરો છો, નંદન!" એ બોલનારના કંઠમાં મધુર વેદનાનો ઝંકાર હતો.

"શા માટે, કેમ?" એની પાછળ જનાર ચાલીસ વર્ષના સુક્કા, સળગી ગયેલા વૃક્ષ-સા ત્યાગીએ ત્રાડ મારીઃ "આચાર્યની આજ્ઞા છે તે માટે, સમજ્યા, સુમેરુ! તમને લપટાતાં ક્યાં વાર છે જે?"

"નંદન, ભલા થઇને મને એક વાર છોડો. મને એકલવાયો બહાર ભિક્ષા માટે જવા દો. મને મુક્ત નેત્રે નિહાળવા દો.."

"કોને નિહાળવા? હું જાણું છું! નહિ જવાય. તો પછી ભેખ શા સારૂ પહેર્યો'તો - મલીદા ઉડાવવા માટે?"

"ન બોલો... હું ગાંડો થઇ જઇશ. મારું હૃદય ધસે છે, મારું માથું ચક્કર ફરે છે."

"તો આચાર્યદેવ ડંડો લઇને તમારાં ચક્કર ઠેકાણે આણશે."

ધર્માલયની અંદર આવી જાતની ભિન્ન ભિન્ન જીવનચર્યા ચાલી રહી