પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શા માટે આવી છો?"

"એકવાર તમને નીરખી લેવા અને આ આંધળું બાળ તમારી નજરે કરવા. જુઓ તો ખરા! પાંચ વરસની થઈ ગઈ. વિના ભાળ્યે શેરીઉંમાં ભમે છે. એક વાર તો આની સામે મીટ માંડો!"

કંકુની ઉપલી માગણીના જવાબમાં ધર્મપાલના બે હાથોએ જ્યારે ખડકીનાં કમાડ વાસ્યાં, ત્યારે એના બેવડમાં બે વસ્તુઓ ભીંસાઇને ચગદાઈ ગઈ એક તો, પોતાનું પાંચ વર્ષ પૂર્વેનું ગુપ્ત પિતૃત્વ ;ને બીજું, કંકુની આંગળીનું એક ટેરવું.

કમાડના હૈયામાંથી એક તીણી ચીસ સંભળાઇ. મોટા મહારાજને ખુદને જ ખડકી પર એક ઓરત સાથે જિકર કરતા જાણીને શિષ્યો ધસી આવ્યા હતા. એમની હાજરીથી ભાન ગુમાવીને દ્વાર ભીંસવામાં એમણે જરા વધુ પડતું જોર નિચોવ્યું. બહારથી શબ્દો સંભળાયાઃ "ઠાકર તારાં લેખાં લેશે, બાપ?"

સહુ મહારાજને પૂછવા લાગ્યાઃ"શું થયું? આટલું બધું એ કોણ બકી ગઇ આપની સામે?

"કશું જ નહિ... કહે કે, તમારા મંદિરના 'હિંડોળ' માટે ફાળો થયો'તો તેમાં મેં મારા ચૂડલાની ચીપો ઉતારી આપી'તી માટે મને ખાવાનું અપાવો, ને મને રોગ છે તેનાં ઓસડિયાં તમારા વૈદ કને કરાવી દ્યો - નીકર હું તમને ફજેત કરીશ... એવું અજ્ઞાનભર્યું બકતી'તી." ફિક્કો ચહેરો હસ્યો.

"અરેરે!" શિષ્યો બોલ્યાઃ"ક્યાંક કાળી ટીલી લગાડત ને એ રાંડ!"

"હશે! એવું ના બોલો. લોકો તો બાપડાં અજ્ઞાની છે."

[૩]

હિંદુ લોકો જ્યારે લોહીમાંસ ભાળે છે ત્યારે તેમનાં હૈયાં ફફડી ઊઠે છે. એટલે જ બાવા-ફકીર સૂયા-ચાકુ વડે શરીર પર કાપા કરી દુકાને દુકાનેથી પૈસા મેળવે છે, ધોરાજી તરફના મેમણો રેલગાડીના ડબામાં માંસની વાનીઓ ખુલ્લી કરીને આખાં ખાનાં મેળવે છે; અને દરેક લોહિયાળા ત્રાગાની અસર શ્રાવક દુકાનદારો ઉપર સચોટ થાય છે. આમાં દયા નથી