પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોતી - ચીતરી ચડતી હોય છે.

પદમાની વહુની આંગળીએથી લોહી વહેવા લાગ્યું એટલે માણસો પાછાં ટોળે વળ્યાં મદારી માકડાં રમાડે, મકાનને આગ લાગે અથવા તો રાષ્ટ્રીય સરઘસ નીકળે એવા હરકોઇ પ્રસંગે લોકોને તમાશો જોવાનું મળે છે. સહુને આ તો જુલમની વાત લાગી. લોકોનું એક મોટું ટોળું, જે હમેશાં તમાશા ઊભા કરવામાં તત્પર ખડું હોય છે, તેણે પહેલું કેટલુંક કિકિયારણ મચાવ્યું; ને પછી પદમાની વહુને સરઘસના રૂપમાં ઇસ્પિતાલે ઉપાડી. મોખરે પદમાની વહુની લોહી નીતરતી આંગળી, આંગળીની પાછળ કંકુ પોતે, તેની પાછળ રોતી આંધળી છોકરી, તેની પાછળ માણસોનું ટોળું: સરઘસ બજાર સોંસરૂં નીકળ્યું.

દુકાને દુકાને વાત ચાલી. જુવાનિયાઓએ આ 'ખૂંટડા જેવા'સાધુઓના ઉપાડા સામે બળાપા કાઢ્યા. મોટેરાઓએ જુવાનોને ધરમની બાબતમાં ક્યાંય ભેખડે ન ભરાવાનો ડાહ્યો બોધ દીધો.

કંકુની આંગળી સારી પેઠે ચેપાઇને છૂંદો થઇ હતી. જોરાવર મનુષ્યોનું જોર તરેહતરેહનું હોય છેઃ કોઇ સાવઝ મારે છે, કોઇ એક હજાર દંડ પીલે છે,તો કોઇ ગાડાંની ઊંધ ઝાલીને ગાડું ઉથલાવી નાખે છે. મહારાજશ્રીનું જોર મંદિરની ખડકીનાં કમાડ ભીડવામાં પ્રગટ થયું હતું. એક વાર જે કૌવતે પદમાની વહુના ભારવદાર સુડોળ યૌવનને ભીંસવામાં પ્રેમાંધતા બતાવેલી, તે જ કૌવતે અત્યારે એટલા જ અંધ ધિક્કારથી એક વારની ચૂમેલી આંગળીઓ ચગદી.

દાક્તરે આંગળી પર 'ડ્રેસિંગ' કરતાં કરતાં ચકોર દ્રષ્ટિએ કંકુના દેહ પર છવાયેલ વિષ રોગને નિહાળ્યોઃ સાથે આંધળું બાળક દીઠું: મુખી મહારાજશ્રીનો દેહ પણ એણે એકવાર તપાસેલો. ત્રણેય જણાંના રોગમાં કશુંક સામ્ય પારખ્યું. ડ્રેસિંગ થઇ રહ્યા પછી એમણે કંકુને પૂછ્યું: "તારે બીજું કશું કહેવું છે, બાઇ? શરીરની બીજી કોઇ માંદગીની દવા..."

"ના, દાદા! એ માંદગીનાં લેખાં તો ઠાકર લેશે - તમે નહિ."

દાક્તર કનેથી વાત ફોજદારને કાને ગઇ. એમને ધર્માલય ઉપર