પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેટલાંક કારણોસર દાઝ હતી. એમણેય પદમાની વહુને તેડાવી કહ્યું:"કંકુ, તું જરા મક્કમ થા તો તને મોટી રકમ અપાવી દઇશ ઈ સાલા પાસેથી."

"ના, દાદા; એનાં લેખાં તો ઠાકર લેશે."

[૪]

પથ્થરખાણ પર આખો દિ ચલમ પી પીને પથ્થરો કાપતો પદમો દિવસ અથમાવી ઘેર આવ્યો.જાતનો કણબી, એટલે ઝનૂન તો ચડ્યું નહિ; પણ રોટલા ઘડી દેનારા તેમ જ છાંણાં વીણી લાવનારા કંકુના હાથ એને વહાલા હતા. ચેપાયેલી આંગળીવાળો હાથ ઝાલીને આખી રાત એ ફૂંકતો ફૂંકતો વહુની પથારી પાસે બેસી રહ્યો. એને પણ એક મહાન ઇન્સાફ પર આસ્થા હતી કે "તું જાણ્ય ને ઠાકર જાણે, ભાઇ!"

વાણિયા-બ્રાહ્મણ વગેરે ઊંચા વર્ણો શાંત જ રહ્યાં. સહુને લાગ્યું કે આ કણબાંફણબાં જેવી વસવાયાની જાતો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથીઃ ધરમમાં પણ એ બધાં રોટલાદાળની જ વાત પહેલે દરજ્જે લાવીને ઊભી રાખે છેઃ ધરમ તો આ પાપી માનવજન્મરૂપી મહાસાગરને તરવાનું નાવ છે, એનું તો ભાન જ નથી આ લોકવરણનેઃ એટલે જ ઈશ્વરે ઊંચનીચના ભેદ દોર્યા હશે ને ,ભાઇ! ઈશ્વર કાંઇ ગમાર નહિ હોય... વગેરે વગેરે ધર્મતત્ત્વનું મથન ચોરે-ચૌટે ને હાટે-બજારે ચાલતું હતું.

આમ, તુલસીના ક્યારાવાળા ફળિયામાં ગમે તેવી ગિલા થઇ પણ નીચા લોકવર્ણોમાં તે રાતથી ધીરો ધીરો અગ્નિ ધૂંધવાવા લાગ્યો. પદમાની વહુને ઓથે ઓથે તો બીજી ઘણી વાતોની ચણભણ થતી ચાલી.

"આપણી બોનદીકરિયુંને જગ્યામાં અનાજ સોવા ઝાટકવા તેડે છેઃ અસૂરવાર ત્યાં શા સારૂં જવું?"

"ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીના તોરણ કરવા ને ઠામડાં ઘસવા, ફળમેવા સમારવા બોલાવે છે."

"સાધુઓની આંખ્યું ચકળવકળ થાય છે. છમકલાંય થાય છે."

"લાજનાં માર્યા કાંઇ કહેતાં નથી."