પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ને આપણી પાસેથી આટલો બધો પૈસો ઉસરડી જઇને એનું કરે છે શું?"

"આપણા ઘરની ગાયું-ભેસ્યુંના કઢા ઉકાળીને આ સાધુડાને શીદ પાઈ દઈએ છીએ? આપણાં છોરુ તો ટળવળે છે પાવળું દૂધ વન્યાં."

"ઠાકર તો સંધાય દેરામાં સરખો બિરાજે છે; ફાવે ત્યાં દરશન કરી આવશું. પણ આ આંકેલ ખૂંટડાઓનો વાડો તો હવે નભાવવો નથી."

સંપ્રદાયના વહીવટકર્તાઓને બીક પેઠી કે આપણા કિલ્લાની અંદર આ તો નાનું એવું પણ ગાબડું પડ્યું; અશ્રધ્ધાનાં પૂર બહાર છોળો મારી રહેલ છે; નાનું બાકોરું ભેદાઇને મોટી દિવાલ તૂટી પડશે જતે દહાડે. મહારાજશ્રીને ઉપલી ધર્મસત્તા તરફથી આજ્ઞા આવી કે "ચાલ્યા આવો!"

[5]

પાંચેક વર્ષ પછી એ જ સાધુ સમગ્ર પંથના ગાદીપતિ બન્યા. એક દિવસ ગામમાં વધાઈ આવી કે ગાદીપતિ પધારે છે - સાથે ચાર લખપતિ શેઠિયા પણ છે - મોટી ત્રીજનો મહોત્સવ કરવા સારુ. ગામ્લોકોએ રાજ્યની સાથે ખાસ મસલત કરીને હાર-તોરણે શણગારેલી એક મોટર સામે મોકલેલી, પણ બે ગાઉ ઉપર સ્ટેશનેથી ઊતરી જઇને ગુરુ મહારાજ અડવાણે પગે ચાલતા ગામમાં આવ્યા.લોકોએ મહારાજનું મુખડું નિહાળીને વાતો કરીઃ "ઓહોહોહો! કેવું રૂડું દર્શન! જાણે સાક્ષાત કૃષ્ણાવતાર!"

પેલા લખપતિઓ ચામર ઢોળતા હતા. ગુરુની ચાખડીઓ મસ્તકે ઊપાડીને સામૈયામાં સાથે ચાલતા હતા.

લોકો તો છક જ થઇ ગયાં - આભાં જ બની ગયાં.

ભાણો કહેઃ"પશવા,ગાદીપતિનાં તેજ જોયાં? મોઢડે કૃષ્ણ મા'રાજની કાંતિ ઝગે છે ને!"

પશવો ભાણાને કહેઃ"ગાદીપતિ નક્કી કોઇક સમરથ પુરુષ! એના હેઠલા તાબેદારો જ નિરદય લાગે છે."

ભીમો કહેઃ"સમરથ વન્યાં કાંઈ અમથા આ લખપતિયું ઊઠીને ચામર ઢોળતા હશે!"