પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોડાં છે કે ગધેડાં પણ છે તે પ્રશ્ન પર દલીલો ચલાવે છે. સાધુથી કપડું સવાત્રણ હાથનું પહેરાય કે સવાત્રણ હાથ ઉપર એક આની વધુ લેવાય, તેની મીમાંસાનો તલસ્પર્શ ચાલી રહ્યો છે. અને દસ જ દિવસ ઉપર પેલો સુમેરુ નામનો યુવાન શિષ્ય મુસાફરીમાં ગળાફાંસો ખાઇને મરી ગયો હતો તેની ગતિ કેવી થઇ હશે તેની ચર્ચા જામી પડી છે. કોઇ સાધુ કહે કે સાધુ અવસ્થામાં 'મા!મા!'ને 'બ્હેન!બ્હેન!' ઝંખતો હતો માટે બકરીને પેટ ગયો હશે; તો કોઇ બીજાની દલીલ પ્રમાણે સુમેરુને શ્રી આચાર્યે છાણ ખાવાની સજા કરી હોવાથી એ છાણનો જીવ બન્યો હશે. કોઇના મત મુજબ સુમેરુનું ગાંડપણ બનાવટી હોવાથી એને પાંચ હજાર વર્ષ જળચર બનીને રહેવું પડશે...વગેરે વગેરે વાતો પરના બુધ્ધિ-ચમકારા જોઈ શિષ્ય-મંડલની તારીફ કરતા કરતા એ જ વૃધ્ધ વૈદરાજ ઓસડિયાંની પડીકીઓ વાળી પ્રત્યેકની ચિકિત્સા કરતા હતા.

મોડી રાત સુધી ધર્મનું પ્રવચન સંભળાવીને લોકમેદનીને વિસર્જન કરી દીધા પછી મહારાજશ્રી ઓરડામાં ગયા ત્યારે આખા દિવસના દ્રવ્યોપાર્જનનો હિસાબ ચાલતો હતો. રૂપિયા, પૈસા અને સોનાની નોખી નોખી ઢગલીઓ થઇ ગઇ હતી. ક્યાં ક્યાંથી શું શું નાણું ભેટ ધરાયું તેની નોંધ સાથે મહારજશ્રી આ સિલક મેળવતા હતા. પરંતુ રૂપિયાના ખખણાટ વચ્ચે વચ્ચે અટકી જતા ત્યારે ધર્માલયની ખડકીનાં ઢીલાં કમાડ પવનને ધક્કે ધક્કે કડડ કડડ અવાજ કરતાં હતાં. આ અવાજ મહારાજશ્રીને કોણ જાણે શા કારણે ચીડવતો હતો. એ પૂછતા કે "આ શું કોઇ કૂતરો હાડકું કરડી રહ્યો છે?"

"ના જી, એ તો ખડકીનાં કમાડ અવાજ કરે છે;" બારીમાંથી અનુચરે ખડકીનાં દ્વારની હિલચાલ બતાવી.

ચંદ્રમાના પ્રકાશમાં મેડી પરથી ખડકી પર નજર ફેંકતાં મહારાજશ્રીને ભ્રાંતિ થવા લાગી કે કમાડની બેવડમાં જાણે કેટલીય કુમળી આંગળીઓ કોઇ ટોળું બહારથી સેરવી રહ્યું છે. મહારાજ બોલ્યાઃ "હજી શા સારુ લોકો ખડકીએ ઊભાં છે? અત્યારે અમે દર્શન નહિ દઇએ."