પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઠાકર લેખાં લેશે!" કોઇ ઝાડના એકલ ઠૂંઠાં પર બેઠેલું ઘૂવડ બોલતું હોય એવો અવાજ આવ્યો.

"આ કોણ છે વળી?" મહારાજે પૂછતાં પૂછતાં કંઠે કંઇક ઘૂંટડો ઉતારવા યત્ન કર્યો. મંદિરના અનુચરે ઉત્તર આપ્યોઃ

"જી મહારાજ, એ તો એક આંધળી છોકરી છે. રોજ રાતે મંદિરને ઓટે બેસી લવ્યા કરે છે કે - ઠાકર લેખાં લેશે."

"કોની છોકરી?" મહારાજ ગરદન પરથી પસીનો લૂછતા હતા.

"પાંચેક વરસ પહેલાં આંહીં એક પદમો કણબી રે'તો'તો, એની આંધળી છોડી છે. એની માને ડિલે કંઈક રોગ ફૂટી નીકળ્યો'તો. લોકોએ પદમાને ભંભેર્યો કે વહુ ગેરચાલ્યની છે. કોઇકે વળી પદમા પાસે આપણા મંદિરના સાધુઓનાંય નામ લીધાં. પદમો હતો જરા વધુ પડતો વહેમી તે ગળાટૂંપો ખાઇને મૂવો. વહુ વિસ્ફોટકમાં સડીને મૂઇઃ ખાટલે પડી પડી લવ્યા કરતી કે 'ઠાકર લેખાં લેશે'. તે દીના આ આંધળી છોકરીનેય હેવા પડી ગયા છે બોલવાના કે 'ઠાકર લેખાં લેશે'."

"પણ એમાં નવું શું કહી નાખ્યું એણે?" મહારાજશ્રી કડકડતી ટાઢમાં ઠંડે પાણીએ નહાતાં નહાતાં બોલતા હોય એવો એમનો અવાજ ધ્રૂજ્યો.

સહુ સૂતા પછી મહારાજ અનિચ્છાએ પણ ખડકી તરફ ખેંચાયા. ખડકીની દોઢ્યની આરપાર પેલી આંધળી છોકરીને બેઠેલી દીઠી. કોઇ અમંગલ ભેરવ પક્ષીના જેવા અવાજ કરતી છોકરી કેવળ આદતને જ વશ બની જઇને બોલ્યે જતી હતી કે -

"ઠાકર લેખાં લેશે...ઠાકર લેખાં લેશે."

દેહમાં સહેજ થરથરાટી અનુભવીને મહારાજે ખડકીનાં દ્વાર સજ્જડ બંધ કર્યાં. પાછા વળે ત્યાં જાણે કોઇક તેમના ધોતિયાનો છેડો ઝાલી ખેંચી રહ્યું છે એવું લાગ્યું. એના ધ્રુજારીભર્યાં શરીરમાંથી એક ઝીણી હાય નીકળી પડી. પણ વળતી પળે જ પોતે હસી પડ્યાઃ પોતાનું ધોતિયું પેલાં ખડકીનાં કમાડોની દોઢ્યમાં લગાર દબાઇ ગયું હતું - બીજું કશુંય નહોતું!

'મનની શી નબળાઇ!" મહારાજશ્રીની ચાખડીઓના તાલબધ્ધ