પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાની સગવડ આપી હતી.

ઘેર જતાં જ ડોસા-ડોસીને ચંદુએ સાદ દીધોઃ મા! બાપુજી! ઉઘાડો ઝટ! ભાઇ ભેળા આવ્યા છે."

"કોણ છે?"

"અરે, આપણો ચંદુને વહુ આવ્યાં! ભાઇ પણ ભેગા છે.ઝટ ઉઘાડો.ઉઘાડો."

ડોસો બીડીનું ખોખું ઝેગવતા હતા તે છોડીને ધોતિયાનો છેડો ખોસતા દરવાજે દોડ્યા ગયા.

ડોસી ચૂલે રસોઇ કરતાં હતાં, તેમના હાથમાં લોટનો પિંડો રહી ગયો.

'ભાઇ'ના પ્રવેશમાત્રથી આ ગરીબ ઘરમાં ઝળહળાટ વ્યાપી ગયો. હૃદયમાંથી સીધાં સરી આવતાં હાસ્યો અને મર્મો વડે એણે ઘરની દિવાલોને લીંપી દીધી.

આજુબાજુ રહેતાં કુટુંબીઓ પણ ધીરે ધીરે એકઠાં થઇ ગયાં, ને 'ભાઇ'ને તે રાત્રીએ નિરાંતથી એ બધાંએ ચંદુનું ઘર બાંધી આપવા બદલ શાબાશી દીધી.

"અરે, ભાઇ!" સહુએ કહ્યું:"ખાનદાન કુટુંબને માથેથી ગાળ ઉતારી."

"હા; નીકર, બે પગે હાલતું એકોએક માણસ ટોણો મારતું'તું કે, દાળમાં કશુંક કાળું હશે ત્યારે જ પચીસ વરસનો જુવાન ઠેકાણે નહિ પડતો હોય ના!"

આ બધા ધન્યવાદનો ખરો ઉત્તર ચંદુના મિત્રનાં મોમાંથી નીકળતો જ નહોતો. બડો ધૈર્યવાન હોવા છતાં એ કંટાળી ગયો, ને આ કુટુંબ-મેળો જલદી વિખરાઇ જાય તેવું કરવા બગાસાંપર બગાસાં ખાવા લાગ્યો.

મોડી રાત સુધી ચંદુને એણે પોતાની કને બેસાડી રાખ્યો. તે બધો સમય ચંદુની પત્ની સુભદ્રા બાજુના ઓરડામાં પહારીમાં પડી પડી અનુભવી રહી હતી કે જાણે પોતાના અંતઃકરણ ઉપર 'ભાઇ'ની મહાકાય છાયાનું ઓઢણ થઇ ગયું છે: પોતાના વેવિશાળથી માંડી આ લગ્ન થઇ ગયા પછીની