પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચમી રાત્રિ સુધી પણ એ માણસનું વ્યક્તિત્વ ભરપૂર ગુંજારવ કરી રહ્યુ છે: પોતે માયરે બેઠેલી ત્યારે પણ મુક્ત હાસ્ય તો આ મનુષ્યનું જ લહેરાતું હતું: પોતાનો પતિ ચંદુ તો જાણે 'ભાઇ'નો જીવાડ્યો જ જીવી રહ્યો હતોઃ 'ભાઇ' કહે તેટલું જ કરવામાં ચંદુને સુખ હતું.

વિચારતાં વિચારતાં સુભદ્રાની દ્રષ્ટિમાંથી ચંદુ તો છેક ઓગળી અદ્રશ્ય બની ગયો. ચંદુ રાત્રિના નાના-શા ચાંદરડા જેવો જીવન-આકાશના ઊંડાણમાં કેવળ તબકી રહ્યો.ઘોર અંધકારની માફક જીવનના અણુએ અણુમાં વ્યાપી ગયો આ પતિનો મિત્ર 'ભાઇ'.

મોડી રાતે જ્યારે ચંદુ સુવા ઊઠ્યો ત્યારે 'ભાઇ' છેક એના ઓરડાના દ્વાર સુધી વળાવવા ગયા, ને પીઠ થાબડતાં કહ્યું:"જોજે, હો; હું તો તને પવિત્ર રાત્રિ જ ઇચ્છું છું."

આ શબ્દો સુભદ્રા એ સાંભળ્યા. આજ પાંચમી રાત્રિ ઉપર પણ એણે પરાયા પુરુષનું શાસન ચાલતું સાંભળ્યું.

ચંદુએ પત્ની ને પૂછ્યું: "તમને અત્તર ગમશે કે અગરબત્તી!"

સુભદ્રા સમસમી રહી; પછી બોલી કે "તમને ગમે તે."

"અગરબત્તીની સુવાસ અત્તરના જેવી માદક નથી, પણ સાત્વિક છે. એ આપણા મનોભાવોને અકલંકિત રાખશે. 'ભાઇ'નો બહુ જ આગ્રહ છે કે આપણે શુધ્ધ જીવન જિવાય ત્યાંસુધી જીવીએ."

અગરબત્તીના ધુમાડા સુભદ્રાના કંઠ ફરતાં ગૂંચળાં રચી રચી બારીમાંથી બહાર નીકળવા લાગ્યા ને ચાંદનીના હૈયા પર રેખાઓ દોરતા દેખાયા.

"રાત્રિ પવિત્ર ભાવે પસાર કરી શકાય,"ચંદુએ કહ્યું:"તે માટે આપણે કશુંક વાંચીશું? શું વાંચીશું? હા હા; 'ભાઇ'ના તારા પરના પત્રો."

વેવિશાળના દિવસથી માંડી આજ સુધીના થોકબંધ કાગળો સુભદ્રાએ પોતાની પેટીમાંથી કાઢ્યા. એ તમામમાં પતિના આ અદ્ ભુત મિત્રની મોતી સમી અક્ષરાવળ હતી. એવો લેખન-મરોડ સુભદ્રાએ અગાઉ કદી જોયો નહોતો.

એ પત્રોની લખાવટમાં કાવ્યો હતાં:"ચંદ્ર તારલાની રંગક્રીડા હતીઃ