લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
પૂર્વમેઘ

૩૬

સુણી તારી અતિશય કદી દીપડા ગર્જનાઓ,
ગુસ્સો લાવી સમર ઇચ્છતા હોય તો મેધરાજ;
તું ધારાઓ વરસી કરજે શાંત એ જંગલીને,
મૂર્ખાઓનાં જલદી મનમાં ક્રોધ આવી વસે છે.

૩૭

ખંડાલાનો ગિરિ ગગનમાં વ્યાપતા શિખરોથી,
જાણે શોભા અમરવનની ઇચ્છતો દેખવાને;
તારા જેવા જલદ જલના ભારથી ખિન્ન થાતાં,
વિશ્રાન્તિ ત્યાં લઇ વિટપિનાં પાંદડાં ભીંજવે છે.

૩૮

થાકેલા એ રવિતુરગને આસરો આપવાને,
કે જોવાને અવનિપરનું સૃષ્ટિસૌન્દર્ય ઉભો;
પક્ષીઓ ને વિવિધ પશુના શબ્દથી ગાજતો એ,
જાણે સ્વસ્તિવચન વદતો હોય એવો જણાશે