પૃષ્ઠ:Meghsandesh.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂર્વમેઘ

૧૨

ધીરી ધીરી મધુરી સુણતાં ગર્જના મોરલાઓ,
નાચી નાચી નિજમનતણી પ્રીતિ દેખાડશે જ;
લાંબા કાળે સુહૃદ મળતાં પ્રાણ જેવો વહાલો,
છે શું એવો જન જગતમાં હર્ષ જેને ન થાતો !

૧૩

રસ્તો તારો પ્રથમ સુણી લે ધ્યાનમાં રાખવાનો,
સંદેશાનાં વચન પછીથી સુણજે પ્રેમ રાખી;
થાકી જાતાં ગિરિશિખરને આશ્રયે તું રહેજે,
પાણી પીતો નદીઉદધિનું માર્ગને કાપજે તું.

૧૪

જોઇ તુંને ગગનપટમાં ઉડતા શ્યામવર્ણો,
ભોળાં કોઇ કુમળીવયનાં બાળકો ધારશે કે;
શું ઉંડે આ ગિરિશિખર કે વાયુના પુત્ર તેથી,
વર્ષી શંકા નવજલકણો ટાળજે તેમની તું.