પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને આપણે જુદા પડ્યા હતા, તે આ જમણે રસ્તે ગયો અને, આપણને તે લુચ્ચે ડાબે રસ્તે ચડાવ્યા. આપણે તેને શિષ્યભાવે પૂછ્યું નહિ તેથી તેણે અવળો રસ્તો બતાવ્યો. વારૂ,આપણે એટલા હેરાન થયા એજ કે કાંઇ બીજું ? પણ વળી બંદા કોઇના શિષ્ય થાય કે? (મુછે હાથ નાખે છે.)(વળી આગળ ચાલીને વિચાર કરે છે.)અરે પ્રભુ! હવે શું કરીશું? મેં તો જાણ્યું હતું કે દહાડા છતાં સસરાને ઘેર જઇને બેસીશું.પણ ઠગે અવળો રસ્તો બતાવ્યો, તેથી વગડામાં ચાર પાંચ ગાઉ ગોથાં ખાધાં. છેવટે રસ્તો તો જડ્યો, પણ હવે દહાડો આથમવા આવ્યો, અને ગામ તો હજી દોઢ ગાઉ રહ્યું છે. કોઇ માણસ આટલામાં જણાતું નથી, પેલો મિજાજભાઇ પણ જતો રહ્યો. આજે પૂરી ફજેતી થવાની. હવે કોઇ દહાડો એકલો સાસરે આવું નહિ. કોઇ સાથે હોય તો તેનો હાથ ઝાલીને ચાલ્યા જઇએ તે કોઇ જાણે નહિ. આજ સુધી તો આપણે એવી હોંશિયારીથી આપણું કામ ચલાવ્યું છે કે હજી સુધી જગતમાં કોઇને ખબર પડી નથી કે જીવરામભટ્ટ રાતે દેખતા નથી, પણ આજ ફજેતી થાય એવું જણાય છે.

——<૦>——
પ્રવેશ —— ૩ જો

$બીજલ રાયકો— (પડદામાંથી નીકળીને ખભે ડાંગ લઇને ચાલ્યો ચાલ્યો આવે છે; અને જેમ ભેંસોના ટોળાને બોલાવતો હોય તેમ લાંબો હાથ કરીને બુમો પાડે છે.) આહે ! ! !ઉ ઉ ઉ ! ! !
( $ કાળો કાંબળો ઓઢેલો, માથે ફાળીયું બાંધેલું, પગની પાનીઓ ભોંયથી લગાર ઉંચી રહે એમ પગના પંજા વડે લાંબા કદમ ભરીને ઉંટની પેઠે ઉતાવળો ચાલતો ભરવાડ આવે.)

પાંચો રાયકો— (સાથે પાડી લઇને પાછળથી આવીને બુમ પાડીને) એ ! ! ! બીજલ, બીજલ, બીજલ હે ! ! ! ઉં

બીજલ૦— (પાછું જોઇને) અલ્યા શું કેસ? પાંચા શું કેસ?

પાંચો૦— અલ્યા ઉભો રહે તો ખરો. એમ નાહી શું જાય સે?

બીજલ૦— હાલ્ય, બેક ઉતાવળો હાલ્ય.

પાંચો૦— (પાસે જઇને) અલ્યા તારી ભેંહો ચ્યાં સે?

બીજલ૦— એ ઉફરાંટે મારગે થઇને ગામની ભાગોળે પૂગી હશે. તારી ભેંહોં ચ્યાં સે !

પાંચો૦— મારી ભેંહો મહાણિઆ માધેવ કને પુગી હશે, અલ્યા! ઓલ્યો ભરામણ આવે સે, તેને ઓળછ્યો કે?

બીજલ૦— ચ્યાં સે ભરામણ?

પાંચો૦— એ  ! ! ઓલ્યો વેગળે આવે ! !

બીજલ૦— હું તો એને ઓળખતો નથી.

પાંચો૦— આપણા ગામમાં ઓલો રઘનાથભટ્ટ રસે ને?

બીજલ૦— હા, હા.