પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચો૦— એનો જમાઈ, હવે ઓળછ્યો કે નહિ?

બીજલ૦— ઓલ્યો રતાંધળો જીવરામભટ્ટ કે?

પાંચો૦— હા, એજ જો!! એજ, ભલો ઓળછ્યો અલ્યા! ભલો ઓળછ્યો !

બીજલ૦— તે બચારો રાત તો આંખે મુદ્દલ ભાળી હકતો નથી તારે શી રીતે એના હહરાને ઘેર જઇ હકશે?

પાંચો૦—ઉભો રે, આપણે એનું બાવડું ઝાલીને, એના હહરાને ઘરે પુગાડીએ. ભલા, ભરામણનો દીચરો સે, આપણને ધરમ થાહે.

બીજલ૦— રઘનાથભટ્ટે દીચરીનો ભવ બગાડ્યો સે. રૂપરૂપના અવતાર જેવી સે, તીને રતાંધળો વર જોયો સે, એ તો કાગડો દઈથરૂં લઇ જીઓ.

પાંચો૦— રઘનાથભટ્ટ શું કરે ? વધાત્રાના લેખ એવા હશે.

રંગલો૦— (પડદામાંથી નીકળીને) ખરે ખરો વિધાતાનો જ વાંક છે.

उपेंद्रवज्रा वृत्त

अरे न कीधां फुल केम आंबे?
कर्या वळी कंटक शा गुलाबे?
सुलोचनाने शिर अंध स्वामी
खरे विधाता तुज कृत्य स्वामी!

પાંચો૦— જીવરામભટ્ટ, પજે લાગું, પજે લાગું.

જીવ૦— આવો રાયકા. આસરવાદ, આસરવાદ.

બીજલ૦—જીવરામભટ્ટ, અતારે અહુરી વેળાના તમે ચ્યાંથી આવ્યા?

જીવ૦— કોણ એ? બીજું કોણ છે?

બીજલ૦— એ તો હું. બીજલ, બીજલ.

જીવ૦— લો ઠીક થયું, ઠીક થયું. અસુરી વેળાનાં કોઈ લુગડાં લઇ જાય, માટે અમે[૧] ફિકર કરતા હતા. અમને રસ્તામાં એક ઠગે ભૂલા પાડ્યા, તેથી અસુર થઇ ગયું.

બીજલ૦— તમે રાતે દેખતા નથી ! રતાંધળા સો કે?

પાંચો૦— બોલ માં, બોલ માં. એને રીહ સડશે, તને બોલતાં આવડતું નથી કહ્યું સે કે —

दोहरो

अंधाने अंधो कहे, वरवुं लागे वेण;
धीरे धीरे पूछिये, साथी खोयां नेण !


જીવ૦— (ગુસ્સે થઇને) મહારંડના ! તું રતાંધળો ! તારો બાપ રતાંધળો ! તેનો બાપ ! અને તેનો બાપ રતાંધળો હશે. (પથરો શોધે છે, ને મારવા દોડે છે.)

પાંચો૦— હું ! હું ! હું ! (હાથ ઝાલે છે.)

  1. અભિમાની પોતાને "હું" એમ કદી કહે નહિ, અમે કહે.