પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦— એનો બાપ રતાંધળો હશે. અમે તો રાતે લખવા બેશીએ તો ત્રણસેં શ્લોક લખી કહાડીએ છૈએ. જો બીજા કોઇએ અમારે મોઢે કહ્યું હોય તો તેના ઉપર ત્રાંગું કરીએ અને માથું ફોડીને તેને લોહી છાંટીએ, પણ તમને શું કરીએ ?

પાંચો૦—રીહ સડાવીએ નૈ, હોય, હાહરીમાં જઇએ, તે કોઈ મહકરી કરે, ટોળ કરે તો મોટું પેટ રાછીએ.

રંગલો૦— સસરાની શેરીનું કુતરૂં કરડવા આવે, તો હાડે કહીએ નહિ.

જીવ૦— તમે અમારા સાસરાના ગોવાળ છો, માટેજ અમે સાંખી રહીએ છૈએ. નહિ તો અમે લગારે સાંખી રહીએ એવા નથી.

પાંચો૦—હાલો, બેક ઉતાવળા હાલો. અમારી ભેંહો જાતી રહે. હવે રાત પડવા આવી.

જીવ૦— રાયકા લાવો જોઇએ તમારો હાથ જોઉં.

પાંચો૦—મારા હાથમાં શું જોહો?

બીજલ૦—મારગ હુજતો નથી, ને ફાંફાં મારતો હાલે સે, માટે તારો હાથ ઝાલીને હાલવું હશે.

જીવ૦— તમેને એવો વહેમ હોય તો અમારે તમારા હાથની કાંઇ ગરજ નથી. અમે તો તેનું નશીબ કેવું છે, તે જોવા સારૂં હાથ દેખાડવાનું કહીએ છૈએ.

પાંચો૦— જુઓ જીવરામભટ્ટ મારૂં નશીબ ચેવું સે વારૂ?

જીવ૦— આ અનામિકા, એટલે ત્રીજી આંગળીના ઉપલા વેઢા કરતાં છેલ્લી આંગળી વધારે લાંબી છે. માટે તમે તમારા બાપ કરતાં વધારે સકરમી છો.

બીજલ૦— ખરેખરૂ કીધું અલ્યા ! તારા બાપની વખતમાં આટલી ઘરાગી તમારે ચાણે હતી?

પાંચો૦— આ ગામની પછવાડે ઘરાં સે, તેના દીવા દેખાણાં.

બીજલ૦— હા, ખરા. કેવા સારા દીવા શોભે છે ! જુઓ.

જીવ૦— જીવરામભટ્ટ, એ બે દીવા તમે દેખો સો કે? (નાટકના સ્થળમાં નજદીક દેખાતા હોય દીવા કહેવા.)

જીવ૦— હા એક આ રહ્યો, ને એક આ રહ્યો. (બીજી તરફ બતાવે છે.)

પાંચો૦— એણીમેર દીવા ચાં સે ? દીવા તો આમ દેખાય સે.

જીવ૦— હા, હા હું પણ એજ તરફ કહું છું તો અને પેલો ઝીણો દીવો વેગળે દેખાય છે, તે સુદ્ધાં ત્રણ દીવા અમે દેખીએ છૈએ.

પાંચો૦—(દીવા ગણીને) બે દીવા તો હું દેખું સું, અને ત્રીજો દીવો તો આટલામાં ચાંઇ દેખાતો નથી.

જીવ૦—આ તરફ જુઓને. એ, રહ્યો ત્રીજો દીવો.

રંગલો—{હળવે[૧]} તારાબાપનું કપાળ છે, તે તરફ તો ચાલતાં અડવડીયાં ખાય

  1. રંગલાને હમેંશા જે વાક્યનો જવાબ મળવાનો ન હોય, તે વાક્ય તે આડું જોઇને બોલે.