પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
अंक २ जो

<———૦———>
પાત્ર

૧. રંગલો.
૨. રઘનાથભટ્ટ— જીવરામભટ્ટનો સસરો.
૩. દેવબાઇ— જીવરામભટ્ટની સાસુ.
૪. સોમનાથ— જીવરામભટ્ટનો સાળો, ઉમ્મર વર્ષ ૧૭ નો.
૫. જમના— જીવરામભટ્ટની વહુ ઉમ્મર ૨૦ ની.
૬. ગંગા— જમનાની બહેનપણી.
૭. પાંચો— ભરવાડ.

સ્થળ— રઘનાથભટ્ટનું ઘર. (પડદો ઉઘડ્યો)

(ત્યાં રઘનાથ ભટ્ટ સહુકુટુંબ બેઠા છે, વળગણીએ ટુંકા પનાનાં પોતિયાં, અને ધોતિયું સૂકવેલું છે. તુળસી ક્યારો ને દર્ભની જૂડી છે. એકેકું ધોતિયું બાપ દીકરે પહેરેલું, એકેકું અંગવસ્ત્ર ઓઢેલું, ઉઘાડે માથે સોમનાથને વેદ ભણાવે છે. યજુર્વેદના હાથે સ્વર લઇને.)

રઘનાથधीरान्दुग्ध्यध्युपद्ध्युषद्
સોમના૦धीरान् ઉઉ, ઉંઉંઉંઉં, અ.
(ત્રણ ચાર વાર કહેવરાવે છે પણ આવડતું નથી.)

રઘના૦— સરત રાખીને ભણ. કોઇ મુસલમાન રસ્તે જતો હશે, તેને કાને વેદનો શબ્દ પડશે તો તે મંત્ર નિષ્ફળ થશે. (મશાલચીને) અલ્યા કાનમાં આંગળીઓ ઘાલજે. આ વેદનો મંત્ર સાંભળીશ તો તું કાને બહેરો થઇશ.

સોમના૦—બાપા, વાણિયાને કણબીને કે રજપુતને વેદ સંભળાવાય કે નહિ ?

રઘના૦—નહિ. એ લોકોને પુરાણોક્ત શ્લોકથી કર્મ કરાવવું. એમના આગળ વેદનો મંત્ર ભણાય નહિ.