પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રઘના૦— મ્લેચ્છની વિદ્યા ભણાવીને મારી સાત પેઢીનું નામ તું બોળવા બેઠી છે?

દેવબા૦— આ ભણવું તે રળી ખાવા સારૂ કે બીજું કાંઇ? ત્યારે જેમાંથી બે રૂપૈયા સુખેથી મળે તે ભણતર ખરું બીજું ભણતર શા કામનું !

<———૦———>

પ્રવેશ ૨ જો

રંગલો૦—(આવીને આડું અવળું ચારે તરફ જોઈને) આટલામાં બ્રાહ્મણનો વાસ ક્યાં હશે ? અરે જીવ આ તુળસી ક્યારો તો દેખાય છે. અને વેગળી શિવની દહેરી પણ છે.

शार्दूलविक्रीडित वृत्त
क्यारो तो तुलसी तणो तगतगे, टुंके पने पोतियां,
नेवे तो लटके वळी वलगणी, धोई धर्यां धोतियां;
दीसे दर्भ जुडी, रूडी शिवतणी, देरी पणे पास छे,
ए एंधाणथकीज जाण उरमां, विप्रोतणो वास छे. १८

અરે રઘનાથભટ્ટનું ઘર આ કે?

રઘના૦—(ઉભા થઈને હાથ લાંબો કરીને.) આવો નાટક નટજી.

રંગલો૦—(લાંબે હાથે મળીને) — આવો લાડુભટ્ટજી.

રઘના૦—કેમ છે લાયક લઉવા.

રંગલો૦—ઠીક છે કાકાકઉવા.

રઘના૦—ક્યાંથી આવ્યા તમે ?

રંગલો૦—તમે ત્યાંથી અમે. (લાંબો ઓઠ કરીને)

રઘના૦—છે સઉ સાજુ તાજું ?

રંગલો૦—પંડ સાજે સઉ સાજું.

રઘના૦—કહોને વાત વિસ્તારી.

રંગલો૦—બાંધી મૂઠી સારી. (મૂઠી બતાવે છે)

રઘના૦—કેટલા છૈયાં છોરૂં?

રંગલો૦—પાછળ કોરૂં મોરૂં. (પોતાની હથેળીમાં હથેલી ફેરવે છે.)

રઘના૦—કાંઇ સંદેશો સારો ?

રંગલો૦—આવે જમાઇ તમારો.

રઘના૦—કેમ આવે છે ચાલી !

રંગલો૦—પાડીનું પૂંછ ઝાલી.

રઘના૦—શા કામે આ વાટે ?

રંગલો૦—વહુને તેડવા માટે.

રઘના૦—આવશે આજની રાતે ?

રંગલો૦—રાતે કે પરભાતે.