પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રઘના૦—હું તો જાણું છું કે કૈલાસમાં પણ એવા તો સ્વામી નહિજ હોય.

રંગલો૦— જમરાજાના શહેરમાં હશેજ.

દેવબા૦—એ સ્વામીને કોણ લઈ ગયું હશે ? અને તે ક્યાં ગયા હશે ?

રઘના૦— એમને તો સાક્ષાત્ પ્રભુના પાર્ષદ આવીને કૈલાસમાં લઇ ગયાં હશે.

રંગલો૦— કોણ જાણે પાર્ષદ લઇ ગયા હશે, કે વગડાના શિયાળિયાં ખાઇ ગયાં હશે.

<———૦———>

પ્રવેશ 3 જો


(પડદા પાછળથી) એ કમાડ ઉધેડો.
(ઉભો રાખેલો પડદો, તેના લાકડાને પાછળથી કોઇ ઠોકે છે.)

દેવબા૦—એ ખડકીનાં બારણાં કોણ ઠોકે છે?

રઘના૦—ગોવાળ વાળુ લેવા આવ્યો હશે.

દેવબા૦—(બારણાં ઉઘડવા જતી હોય તેમ પડદા પાસે જઇ જુએ છે, ત્યાં પડદામાંથી પાંચો રાયકો નીકળી આવે છે.)

પાંચો૦—વાળુ લાવો, વાળુ?

દેવબા૦—હમણાં ઉભો રહે, આપું છું.

પાંચો૦—(કાખમાં લાકડાનું ટેકણ દઇને પગની આંટી ભરાવીને ઉભો રહીને) રઘુનાથભટ્ટ?

રઘના૦—કેમ છે રાયકા?

પાંચો૦—ઓલ્યા બાવાને તમે કાલે દાટી આવ્યાતા, તેને આજ વગડાનો જરખ ખોદીને લઇ જાતોતો.

રઘના૦—બોલ માં, બોલ માં, મૂર્ખા. જરખ શું લઇ જાય? એમને તો પ્રભુના પાર્ષદ લઇ ગયા.

પાંચો૦—અરે શું પારહદ લઇ જાય? મેં નજરો નજર દીઠો. જરખ વગડામાં લઇ જાતોતો.

રઘના૦— હોય નહિ, હોય નહિ. જરખ શું લઇ જાય? એ તો પરમેશ્વરના પાર્ષદ લઇ ગયા.

પાંચો૦—મારા દીચરાના હમ મેં બીજલને દેખાડ્યો, અને કીધું કે ઓલ્યા આપણા ગામના ભરામણોના ગરૂને ઓલ્યો જરખ લઇ જાય સે.

રઘના૦—અરે જૂઠી વાત. એવા મહાજોગીને જરખ શું લઇ જાય? એ તો પાર્ષદ લઇ ગયા.

પાંચો૦—તારે તમારા લોકો એને પારહદ કેતા હશે,પણ અમે તો એને જરખ કઇએ સૈએ.

રઘના૦—(પોતાની સ્ત્રીને) હવે એને આપવું હોય તે આપીને અહીંથી ઝટ કાઢ.

દેવબાઇ—લે અલ્યા, લે આ રોટલો.