પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચો૦—તે રોટલો શા વાસ્તે આપો સો?

દેવબાઇ—ત્યારે શું આપે? વરસુંદ લેવી અને રોજ વાળુ લેવા આવવું.

પાંચો૦—બે વરહાં થ્યાં વરહુંદ તમે ચાણે દીધી સે? આજ જમાઇ આવ્યા સે, તે તમે લાબશી કરી હશે, તે તમારાં સોકરાં લાબશી ખાય, અને મારાં સોકરાં ટાઢો રોટલો ખાય કે? "એવો ચ્યાં ગોકળીઓ ગાંડો સે, જે દિવાળીને દહાડે ઘેંહ હીરાવે." હું ચાણે રોજ રોજ લાબશી માગું છું?

દેવબા૦—જમાઇ ક્યાં છે? જમાઇ આવે તે દહાડે લાબશી લેવા આવજે, જા.

પાંચો૦—વળી નથી આવ્યા સે? જમાઇ આવ્યાજ સે તો.

દેવબા૦—તારા સમ, નથી આવ્યા.આવ્યા હોય તો હું ના કહું?

પાંચો૦—ગામના પાધર હુધી અમે ભેગા ભેગા આવ્યા સૈએ.પાડીનું પુસડું ઝાલી જમાઇ આવતાતાને વળી!

દેવબા૦—એ તો રાતે માઠું દેખે છે, માટે તું એમને આપણા ઘર સુધી પહોંચાડીએ નહિ?

પાંચો૦—એને અમે પુગાડવાનું કીધું; પણ એ તો બહુ મિજાજી સે. ઉલટી રીહ સડાવા માંડી. પસે પાડીનું પુસડું ઝાલીને આવતાતા.

દેવબા૦—પાડી તો ક્યારની ઘેર આવી છે; પણ જમાઇ તો આવ્યા નથી.

પાંચો૦—તાણે રોટલો તો રોટલો દ્યો? લાવો હું મારે જાઉં.

દેવબા૦—લે આ રોટલો.

(કાંબળીના છેડામાં લઇને જાય છે.)

દેવબા૦—અરે, સોમનાથ, તું અને તારો બાપ જાઓ અને જુઓ. તે મિથ્યાભિમાની રાત વેળાનો ક્યાંઇ ફાંફાં મારતો હશે,તેને ઘરે લઇ આવો.

સોમના૦—ચાલો બાપા,આપણે જઇએ. રાત અજવાળી છે.

રઘના૦—હું તો કાંઇ આવતો નથી, તેને ગરજ હશે તો ઘણોય ફાંફાં મારતાં આવશે.

દેવબા૦—અરે, જાઓ જાઓ, ક્યાંઇ વગડામાં પડ્યો રહે ને જનાવર મારી નાંખે, તો ન્હાનપણમાંથી આપણી જમનાનો ભવ બગડે.

રંગલો—જમનાનો ભવ બગડી ચૂક્યો છે; હવે શો બાકી છે?

રઘના૦—ચાલ, ત્યારે પાદર સુધી જોઇ આવીએ. (તે બંને જણા જાય છે.)

પ્રવેશ ૪ થો

(ગંગા આવે છે)

દેવબા૦—અરે જમના, તારી બેનપણી ગંગા આવી.

જમના૦—આવ બ્હેન ગંગા, કેમ તું હમણાં જણાતી નથી ?

ગંગા૦—મારે પણ સાસરેથી આણું આવવાનું છે, માટે તૈયારી કરવામાં રોકાઇ રહું