પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છું, તેથી તારી પાસે અવાતું નથી. (જમનાની જોડે બેસે છે, અને ભરત ભરે છે.)

દેવબા૦—ગંગા, તમે બંને જણીઓ અહીં બેસજો, હું રસોડામાં જઇને રાંધવા માંડું, હમણાં જીવરામભટ્ટ આવશે.

ગંગા૦—સારૂં, બેઠા છીએ. (દેવબાઇ જાય છે.)

જમના૦—ગંગા, તું શેનું ભરત ભરે છે ?

ગંગા૦—આ તો મારે સાસરે લઇ જવા સારૂ શેતરંજીની બાજી ભરૂં છું.

જમના૦— (ઊંડો નિસાસો મૂકીને) અરે પરમેશ્વર ?

ગંગા૦—શા વાસ્તે નિસાસો મૂકે છે ?

જમના૦— એમજ તો.

ગંગા૦— કહે તો ખરી ?

જમના૦— શું કહું, મારૂં કપાળ?

રંગલો૦

दोहरो

अंतरनुं दुःख अवरने, कहेतां कहि न शकाय;

मुके निसासा मुखथकी, रोतां रजनी जाय। २०

ગંગા૦—મારા સમ, કહે તો ખરી. શું કાંઇ તારે સાસરામાં દુઃખ છે ?

જમના૦—(ડુસકાં ભરતી) બાઇ, મારૂં દુઃખ મારૂં મન જાણે છે. કોઇની આગળ કહેવામાં માલ નથી.

ગંગા૦—પોતાના અંતરનું હોય તેની આગળ તો કહીએ. કહ્યા વિના કોઇ શું જાણે.

જમના૦—કહીને હવે શું કરવું ? એનો કંઇ ઉપાય નથી. પાણી પીને ઘર શું પૂછવું?

ગંગા૦—તારે શું દુઃખ છે. કહે તો હું જાણું તો ખરી.

જમના૦—બાઇ, બાપે ઉંચું કુળ જોઇને નાતજાતમાં આબરૂ મેળવવાનો પોતાનો સ્વાર્થ તાક્યો છે, મારા સુખ દુઃખ ઉપર કશો વિચારજ કર્યો નથી.

शार्दूलविक्रीडित वृत्त

कन्याविक्रय जे करे ध लई, धिक्कर तेने धरो,
कीर्तीना कदि लोभथी कुळ जुए, ते पापि पूरो खरो;
कदि द्रव्यतणो कशो जगतमां, जे स्वार्थ साधे नही
कन्याना सुखनो विचार करशे, ते पुण्यशाळी सही। २१

दोहरो

सविद्या, सद्गुण, सधन, सदाचरण, सुविचार;
उत्तम कुळ तो एज छे, जे घर सुखि नरनार २२
कुसंप ने कंजुसपणुं, माननिने नहि मान;

एज अधमथी अधम कुळ, निर्धन निर्विद्वान २३