પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંગા૦— શું તારો ધણી નમાલો છે ?

જમના૦—ના, ના, એમ તો કાંઇ નહિ; પણ દહાડો આથમ્યો કે આંખે ધબ, કશું દેખે નહિ. દહાડે તો આપણે મલાજામાં રહેવું પડે, અને રાતે તો કશું દેખેજ નહિ. આપણે ગમે તેવાં ઘરેણાં કે ભરત ભરેલાં લૂગડાં પહેર્યાં હોય પણ તે શું બાળવાનાં ?

ગંગા૦—હોય નશીબની વાત. એમાં શું ? જેમ તેમ મન વાળવું. શું કુંભારના ઘરનું હાલ્લું છે કે બદલી લવાશે.

રંગલો૦

उपजाति वृत्त

न शोभते पामरि पामराणां,
मणिर्यथा मर्कटकंठलग्न:।
अंधःपति प्राप्त विलासिनीनां
कटाक्षवाणा विफला भवंति॥ २४

અર્થ — જેમ ભિખારીને પામરી શોભે નહિ, માકડાની કોટે મણિ શોભે નહિ, તેમ આંધળો ધણી પામેલી સુંદરીના નેણના ચાળા નિષ્ફળ જાય, માટે શોભે નહિ.

જમના૦— અરે રાતે દેખતો નથી, એની તે મને ઝાઝી બળતરા નથી; પણ ખોટી પતરાજી રાખે છે, તે જોઇને મને ઘણી બળતરા થાય છે.

રંગલો૦

दोहरो

मिथ्या, अभिमानी मनुष, ठाली करे ठगाइ;

तेथी तेनी थाय छे, भूंगळ विना भवाइ २५

ગંગા૦— ખોટી પતરાજી શી રીતે રાખે છે ?

જમના૦— દહાડા છતાં વાળુ કરીને બારણાં બંધ કરીને ઘરમાં પેશી જાય છે. કોઈ આવે તો તેને કહેવરાવે છે કે હું તો રાતે અનુષ્ટાન કરૂં છું, માટે કોઇને મળતો નથી.

ગંગા૦—એમ કરીને પોતાની ખોડ છાની રાખે છે ?

જમના૦— છાની તો ધૂળે રહેતી નથી. જેમ છાની રાખવાની તદબીર કરે છે, તેમ તેમ લોકને હસવાનુ થાય છે. અને વધારે ચરચાય છે.

રંગલો૦

पादाकुळ छंद

जेमां गुण के अवगुण एके, छानुं कदी रहे नहि छेके;
छाने छळथी छानुं राखे, दुनियां देखे तेवुं दाखे। २६

ગંગા૦— હશે, તેમાં તારે શું ?

જમના૦— તે ખોટી પતરાજી કરે છે, તેથી લોકો મારા આગળ કહી કહીને મને દાઝે બાળે છે.