પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
केवो छे विपरीत काळ कळिनो? शुं हुं वखाणुं वधु?
सारुं कोइ तणुं कदापि करिये, बूरुं गणे ते बधुं. ३१

સોમના૦—ઉઠો, ઉઠો,અહીં ખાડામાં કેમ સૂઇ રહ્યા છો?

જીવ૦—સાસરિયામાં જવું, તે કોઇ તેડવા બોલાવવા આવે અને માનપાન દેખીએ તો જઇએ, નહિ તો ગામને પાદર સુઇ રહીએ.

સોમના૦—ચાલો! હવે અમે બે જણા તેડવા આવ્યા છીએ. પેલો ગોવાળ કહેતો હતો કે પાડીનું પૂછડું પકડીને જીવરામભટ્ટ આવે છે.

જીવ૦—અમારે તમારે ઘેર આવવું નથી. જો આવવું હોય તો પાડી સાથે આવીએ નહિ?.

સોમના૦—શા વાસ્તે અમારે ઘેર આવવું નથી ? તમને કોઇએ કાળું ગોરૂં કહ્યું છે?

જીવ૦—તમારી માએ એક દહાડો મને રતાંધળો કહ્યો હતો, માટે તમારે ઘેર અમારે આવવું નથી. એટલા સારૂ અહીં સુતા છીએ.

સોમના૦—વારૂ, અમારે ઘેર ન આવવું હોય તો ગામમાં આવીને કોઇને ઘેર રાત રહેવું હતું.

જીવ૦—અમે સમ ખાધા છે કે અમારે તમારા ગામનું પાણી પીવું નહિ. આ તો તેડવા આવ્યા વિના છૂટકો નહિ, માટે આવ્યા છીએ. તે અહીં ગામને પાદર રાત રહીને સવારે તમારે ઘેર આવીને અમારા માણસને લઇને ચાલ્યા જઇશું.

સોમના૦—તો ગામને પાદર ક્યાંઈ સારી જગા જોઇને સૂવું હતું; પણ આ ખરાબ ખાડામાં આવીને કેમ સુતા છો?

રંગલો—ખાડામાં લોકો દિશાએ જાય છે, એવી સારી જગા બીજે ક્યાં મળે?

જીવ૦—બીજે ક્યાંઇ સુતા હઇએ અને વળી કોઇ દેખે, તો તાણ કરીને તેને ઘેર તેડી જાય; માટે આ ખાડામાં કોઇ દેખે નહિ એમ સુતા છીએ.

રઘના૦—ચાલો, ચાલો. હવે તમને કોઇ રતાંધળા કહેશે નહિ.

જીવ૦—અમારે તો તમારે ઘેર આવવું નથી.તમે બોલો તો તમને તમારી જનોઇના સમ.

રંગલો—આ બ્રાહ્મણની કોટમાં જનોઇ ન હોત તો બિચારો સેના સમ ખાત?

સોમના૦—ઉઠો ઉઠો, બોલો તો તમને બ્રાહ્મણના સમ.

જીવ૦—અમને આ ગામમાં રહેતા હોય એટલા બધા બ્રાહ્મણોના સમ, જો અમે કદિ તમારે ઘેર આવીએ તો; અને તમે દીકરાના સમ ખાશો નહિ.

રંગલો—એવો તે કોણ ગાંડો હોય કે છતે બ્રાહ્મણે દીકરાના સમ ખાય.

રઘના૦—(હાથ ઝાલીને) ઉઠો ઉઠો! મારા સમ.

જીવ૦—તમારા સમ અમે આવીએ તો;અમારે તમારા ઘરનું પાણી અગ્રાહ્ય [૧] છે.

રઘના૦—પણ તમારી સાસુએ તમને ક્યારે રતાંધળા કહ્યા?


  1. અગ્રાહ્ય=ન લેવા જોગ.