પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦—તમારી પાડોશણની આગળ એક દહાડો છાનાંમાનાં કહેતાં હતાં, તે અમે કાન ધરીને સાંભળ્યું હતું. રતાંધળા જ હઇએ ને કહે તો દુઃખ લાગે નહિ; પણ અમે કંઇ રતાંધળા નથી.

રંગલો—અરે! મેં પણ એક દહાડો સાંભળ્યું હતું.

રઘના૦—તમે જેવા છો, તેવા બધું જગત જાણે છે. કંઇ છાનું રહે નહિ. તમને રતાંધળા કહે, તે ઝખ મારે છે. ચાલો; હું તમારી સાસુને ઠપકો દઇશ. હવે પછી તમને કોઇ દહાડો એવું કહેશે નહિ.

જીવ૦—આ ભવમાં તો હવે તમારે ઘેર અમારે પાણી પીવું નથી; કેમકે અમે આકરા સમ ખાધા છે.

રઘના૦—એમ તે થાય ! કાંઇ આપણે એક બીજાથી છૂટવાના નથી; સાંકડી સગાઇ ઠરી. કણકમાં પાણી ભળ્યું તે ભળ્યું. તે કરતાં ચાલો, તમને પાંચ રૂપિયાની પાઘડી બંધાવીશું.

સોમના૦—તમને પગે લાગીને કહું છું કે ઘેર ચાલો.

જીવ૦—ઘેર આવ્યાનું તો તમારે અમને કહેવું જ નહિ.

સોમના૦—મારી પાધડી તમારે ખોળે છે. હું પાધડી ઉતારીને તમને પગે લાગું છું. તમે અમારા પુજનિક છો.

જીવ૦—નહિ નહિ, પાઘડી ઉતારશો નહિ,આ આભ ને જમીન એક થાય, તો પણ અમારે તમારે ઘેર નથી આવવું.

રંગલો—અત્યારે તો આભ ને જમીન એકજ છે તો. જુદાં કોણ દેખે છે ?

રઘના૦—આ જનોઈ કાઢીને તમારી આગળ મૂકું છું. તમે પહેરાવો તો પહેરીશ, નહિ તો અહિંથી પરભાર્યો સન્યાસીના મઠમાં જઇને સન્યાસી થઇ જઇશ. પણ હું તમને તેડ્યા વિના ઘેર જનાર નથી.

સોમના૦—હવે તો પૃથ્વીનો છેડો આવી રહ્યો. જીવરામભટ્ટ, હવે તો માનવું જોઇએ.

જીવ૦—ફક્ત પાંચ રૂપૈયાની પાઘડી સારૂ અમે મનાઇ એ કે ?

રંગલો—પાંચ રૂપૈયા સારૂ બ્રાહ્મણના સમ ભાગે કે ? વધારે આપે તો અત્યારે ભાગે.

સોમના૦—અરે ! બે રૂપૈયા વધારે આપીશું, ચલો તો ખરા.

જીવ૦—વીશ રૂપૈયામાં એક બદામ ઓછી લેવાનો નથી.

રંગલો—જાઓ જાઓ, એક બાંડુ ગધાડું દોરીને આપશે.

રઘના૦—વીશ રૂપૈયાની અમારી ત્રેવડ નથી. (કાનમાં) પણ સોમનાથને કહે એકાંતે આવ આપણે વિચાર કરીએ. (એકાંતે જઈને) પાઘડીનું તો એને બહાનું છે, પણ રાત વેળાએ તે દેખતો નથી, માટે તું એનાં લૂગડાં એકઠાં કરી આપ. પાઘડી, લાકડી ક્યાં પડી હશે તે દેખતો નથી, માટે તેની પાઘડી લઇને તું એને માથે મૂક, અને પછી હાથ ઝાલીને ઉભો કર; એટલે મોઢે તો ના ના કહેશે, પણ આવશે ખરો.