પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખીલી છે, તેની શોભા જોવા સારૂ ઘણી વાર સુધી તો અમારૂં મન ત્યાંજ વળગી રહ્યું હતું. જાણે કે રાત્રીરૂપી સ્ત્રીનું મુખ જોવાનું દર્પણ હોય એવું સરોવર શોભતું હતું. તે વિષે અમે એક શ્લોક કહ્યો.

દેવબા૦— શી રીતે કહ્યો ?

જીવ૦— (શીખી રાખેલો)

वसंततिलका वृत्त

चंद्रभाव मुख शर्वरि[૧] बालिकानो,
तारातणो समूह मौक्तिक[૨] मालिकानो;
आ लोक मध्य अतिलायक लेखवानुं,
शोभीत श्रेष्ठ सर[૩] दर्पण देखवानुं। ३८

રંગલો—આંખો મીચીને તે શ્લોક કહ્યો હશે ?

જીવ૦— તે પછી તો પહોર રાત ગઇ, એટલે જાણ્યું કે હવે તો સૂઇ રહ્યાં હશે, માટે આપણે પણ અહીં ગામને પાદર સૂઈ રહેવું. સવારે ઊઠીને તમારે ઘેર આવવાનો વિચાર હતો.

દેવબા૦—આગળ તમે અહીં આવ્યા હતા, ત્યારે તો કહેતા હતા કે હું સંધ્યાકાળથી અનુષ્ટાન કરૂં છું, માટે દહાડો આથમે એટલે તરત એક ઓરડીમાં પેસતા હતા ને સવારે બહાર નીકળતા હતા. તે અનુષ્ટાન પુરૂં થયું કે શું?

રંગલો—તે અનુષ્ટાન ને જીવરામભટ્ટની આવરદા, બંને સાથે પૂરાં થશે.

उपजाति वृत्त

स्वभावनी साधित साधनानुं,
पुरूं अनुष्ठान नथी थवानुं;
समाप्ति तेनी मरवा समामां,
पूर्णाहुती तो पछिथी चितामां ३९

જીવ૦— અનુષ્ઠાન તો હજુ પુરૂં થયું નથી; પછી આખા વર્ષમાં ફક્ત એક રાતે બહાર નીકળવાની અમે છૂટા રાખી છે.

દેવબા૦—રોજ રાતે તમે શેનું અનુષ્ઠા કરો છો?

રંગલો—ઉંઘદેવીનું અનુષ્ઠાન કરે છે.

જીવ૦— અમે અજપા ગાયત્રીનું અનુષ્ઠાન કરીએ છૈએ.

દેવબા૦—અજપા ગાયત્રી કેવી હશે?

સોમના૦—બ્રહ્મા ગાયત્રી, વિષ્ણુ ગાયત્રી, રૂદ્ર ગાયત્રી, ગણ્શે ગાયત્રી, ઇત્યાદિ ઘણા પ્રકારની ગાયત્રીઓ છે, તેમાં જપ કર્યાં વગર એની મેળે જપાય તે અજપા ગાયત્રી કહેવાય છે.

  1. રાત
  2. મોતી
  3. તળાવ