પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦— જપ કર્યા વગર શી રીતે જપાય ?

જીવ૦— આપણે જ્યારે શ્વાસ લઇએ છીએ, અને પાછો મૂકીએ છીએ, ત્યારે તે શ્વાસના ધ્વનિનો આભાસ થાય છે તે.

દેવબા૦—શ્વાસ ધ્વનિનો આભાસ કેવો હોતો હશે ?

જીવ૦—શ્વાસ લેતા हं, અને મૂકતાં स:,વળી લેતાં सो, અને મૂકતાં हं, ધ્વનિ થાય છે તેથી " हंस:सोहं"એવો મંત્ર નિરંતર એની મેળે જપાયા કરે છે. તે દરેક પળમાં ૬ વાર, ને એક ઘડીમાં ૩૬૦ વાર, અને એક દહાડો ને રાત મળીને એકવીસ હજાર ને છસેં શ્વાસોચ્છવાસ લેવાય છે, તેનું નામ અજપા ગાયત્રી કહેવાય છે; ને તે રાત આખી મળીને ૧૦૮૦૦, એટલે સો માળા જપાય છે. આ ઉપરથી માળાના મણકા ૧૦૮ કર્યાં હશે. માટે સવારમાં નહાયા પછી હાથમાં જળ લઇને સંકલ્પ કરવો કે આજ હું દશ હજારને આઠસેં અજપા ગાયત્રી જપું તે બ્રહ્માર્પણમસ્તુ. તો પછી બીજી ગાયત્રીનો, કે કોઇ મંત્રનો જાપ કરવાની જરૂર નથી.

રંગલો૦—થયું, સંધ્યામાળાનું માંડી વાળ્યું.

દેવબા૦— કેવું આસન વાળીને એ મંત્રનો જાપ થતો હશે?

જીવ૦— આસન ચોરાશી પ્રકારનાં કહ્યાં છે. આમ કાચબાની પેઠે બેશીને જપ કરે તો कूर्मासन કહેવાય. આમ મચ્છની પેઠે લાંબો પડીને જપ કરે તે मत्स्यासन, આમ પારસનાથની પેઠે બેસે તે पद्मासन, एकपादासन, उर्ध्वभुजासन, हंसासन, वृषभासन, गरूडासन વગેરે. (કેટલાંએક આસન ભોંય વાળી દેખાડે છે.)

દેવબા૦—ત્યારે તમે રાતે કયું આસન વાળીને અજપા ગાયત્રી જપો છો?

જીવ૦— અમે રાતે આમ શબાસને કરીને ચારે પહોર અજપા ગાયત્રી જપીએ છૈએ. (મડદાની પેઠે સૂઇ દેખાડે છે.)

રંગલો૦—આ તો માણસની બળતી ચહેમાં વાળવું પડે છે તે સાસન થયું.

જીવ૦— (ઉઠીને) શાસ્ત્રમાં તો રાતના ચારે પહોરનાં જુદાં જુદાં ચાર આસન કહેલાં છે.

દેવબા૦—તે કેવાં હશે?

श्लोक

सर्वांगाच्छादन पूर्वं, सैकवस्त्रासनं तत:।
दिगंबरासनं पश्चाच्छान कुंडलिकासनम् ४०

અર્થ— રાતના પહેલા પહોરમાં આવી રીતે આખા શરીર ઉપર ઓઢીને લાંબા થઇને પડવું, તે " સર્વાંગાચ્છાદનાસન" કહેવાય. પછી બીજે પહોરે ઓઢેલી ચાદર ખશી જાય, અને પહેરેલુંજ એક પોતિયું રહે તે "સૈકવસ્ત્રાસન" કહેવાય. ત્રીજે પહોરે