પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે એક લૂગડું પણ ખશી જાય તે દિગંબરાસન કહેવાય.

રંગલો૦—દિગંબરાસન કરી દેખાડોને.

જીવ૦— દિગંબરાસન જોવું હોય તો જઇને કાશીના પરમહંસોને જો.

દેવબા૦— પછી ચોથે પહોરે કેવું આસન વાળો છો ?

જીવ૦— પાછલે પહોરે ટાઢ પડે તે વખતેઆવી રીતે"શ્વાન કુંડલિકાસન" વાળવુંજ જોઇએ. એવા આસન વાળો તો અજપા ગાયત્રીની સિદ્ધિ થાય છે.

દેવબા૦—ત્યારે અનુષ્ઠાનની વખતે ધૂપ, દીવા કરવા જોઇએ તે?

જીવ૦—માનસિક ધૂપ દીવા કરીએ છૈએ.

દેવબા૦—માનસિક કેવી રીતે?

જીવ૦—મનમાં ધારીએ કે દેવજી સરૈયાની દૂકાનમાં આગ લાગી, અને અગરબત્તીની કોઠી સળગી ઉઠી; એટલે દેવને ધૂપ સારી પેઠે થયો. મ્યુનિસિપાલ ખાતાવાળાએ દીવા કર્યાં એટલે દેવને दीपं समर्पयामि" એમ કહીને જલ મૂકીએ; એટલે થયું. દેવને કાંઈ જોઇતું નથી. દેવ તો ભાવના ભૂખ્યા છે.

દેવબા૦—ત્યરે કાલે હું પણ મનમાં ધારીશ કે જીવરામભટ્ટાને લાડવા, જલેબી, બરફી વગેરે ભાતભાતનાં ભોજન समर्पयामि એમ કહીને જળ મુકીશ એટલે થયું પછી તમારે વાસ્તે મારે રસોઇ કરવી પડશે નહિ.


જીવ૦— માણાસને તો એમ ન ચાલે, અને દેવને તો ચાલે.

<———૦———>


भोजन प्रसंग

દેવબા૦ – ઊઠો, હવે નહાઇ લો. કંસાર, દાળ, ભાત તૈયાર છે, અને રસોઇ ઠરી જાય છે.

જીવ૦ – અમે સોમનાથભટ્ટને કહેલું છે, કે અમારે તમારા ઘરનું અન્ન ખાવું નથી.

સોમના૦ – લો, એ તો જાણ્યું જાણ્યું ! હવે છાનામાના નહાઇ લો. લો, આ નહાવાનું પંચિયું.

જીવ૦ – ના અમારે નથી જમવું. (એમ કહેતો કહેતો પંચિયું પહેરીને ઉભો રહે છે)

સોમના૦ – ચાલો ખાળે. (હાથ ઝાલીને ખાળે લઇ જઇ બેસાડીને) આ હાંલ્લામાં ઊંનું પાણી છે તેથી નહાઓ. (આઘો જાય છે.)

જીવ૦ – (બીજું હાંલ્લું પડખે હતું તે પોતાના ઉપર રેડે છે.)

गंगे च यमुने चैव, गोदावरि सरस्वति,
नर्मदे सिंधो कावेरि, जलेડस्मिन् संनिधिं कूरु. ४१

હર હર ગંગે, હર હર ગંગે ! થુ ! થુ ! થુ ! ! !

સોમના૦ – અરે ! હાય ! હાય ! આ શું કર્યું ?

જીવ૦ – કેમ શું છે? થુ ! થુ ! થુ ! ! !