પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય, પણ જમાઈ પાંચ રૂપૈયા વાસ્તે જમાન (જબાન) માગે.

उपजाति वृत्त

नामे लखीने धन लख धीरे,
अने गणाता उमदा अमीरे;
ते अल्प माटेज लबाड लागे
जरूर जामत जमान मागे. ४१

दोहरो
अवर कोइ कदि ए रिते, जो मागेज जमान;
तो ते तेने अंतरे, अति माने अपमान. ४२

રઘના૦ – (હળવે, સ્ત્રીને) તે આંધળાને દોરી લાવીને બેસાર.

દેવબા૦ – (હાથ ઝાલીને) ચાલો ચાલો, પાઘડી સવારે આપીશું.

જીવ૦ – ના, ના, ઊંહું ! ઊંહું! અમારે નથી જમવું, નથી જમવું. (એમ કરતો આવે છે.)

રંગલો -

दोहरो
कथने तो ना ना कहे, हैयामां हा होय;
धूताराना धोंग ते, कली शके सहु कोय. ४३

દેવબા૦ – આ પાટલા ઉપર બેસો, હું રસોડામાંથી કંસાર લઈ આવું. (એમ કહીને ઝટ જાય છે.)

જીવ૦ –(બેસે છે, પણ મોઢું ભીંત સામું થયું ને થાળી પૂંઠે રહી.)

રંગલો – વાહ વાહ! કહો છોને કે જીવરામભટ્ટ દેખતા નથી?

દેવબા૦ – (આવીને) અરે! એમ અવળે મોઢે કેમ બેઠા? આમ ફરીને બેસો. થાળી તો પછવાડે રહી.

જીવ૦ – અમે કાંઈ વગર જાણે અવળે મોઢે બેઠા નથી; પણ અમારે જમવું નથી, માટે આમ બેઠા છીએ.

દેવબા૦ – હવે આ તરફ મોઢું ફેરવો.

જીવ૦ – પાઘડી આપો તો મોઢું ફેરવીશું; નહીં તો અમારે જમવું નથી.

દેવબા૦ – (ઝાલીને ઊભા કરી બેસારે છે.) જુઓ આ કંસાર એટલો કે વધારે જોશે?

જીવ૦ – (હાથ ફેરવીને) આટલો બસ છે.

દેવબા૦- (ઘીની વાઢી લેવા જાય છે. ત્યાં પાડી આવેને થાળીમાંથી કંસાર ખાઈ જાય છે.)

જીવ૦ – શું કરવા હલાવ હલાવ કરો છો ? એ તો હમણાં ઠરી જશે.