પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રંગલો – મિથ્યાભિમાનીનું અજાણ્યું કાંઈ ન હોય. એ તો માના પેટમાંથી ભણી ગણીને જ અવતરેલા હોય.

રઘના૦ – તમે કોની પાસે વિદ્યા ભણ્યા હતા?

જીવ૦ – અમારી મેળે અમે બધી વિદ્યાઓ શીખી લીધી છે, કોઈને ગુરુ કર્યો નથી.

રંગલો – કપટી માણસ વિદ્યા ચોરી લે, અથવા ચોરાવી લે પણ શિષ્ય થઈને ન લે. કહ્યું છે કે -

उपजाति वृत्त

चोरावि ले, के चित्त चोरी राखे,
विद्यागुरुने गुरुजी न भाखे;
जुओ कळा ए कपटी जनोनी,
करे वडाई स्व-पराक्रमोनी. ४९

સોમના૦ – તમે એકે પુસ્તક રચ્યું કે?

જીવ૦ – હા, ‘જીવરામવિનોદ’ નામનો મોટો ગ્રંથ અમે રચ્યો છે.

રંગલો – કોઈક પાસે રચાવીને પોતાનું નામ ઘાલ્યું હશે

ईंद्रवज्रा व्रत्त

बीजा कने काम कशुं करावे,
तेनुं बधुं मान स्वयं धरावे;
गाडी तळे श्वान गति करीने,
फूलाय छे फूल वृथा धरीने. ५०

સોમના૦ – ત્યારે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે?

જીવ૦ – હોવે ! શા વાસ્તે ન કરીએ? શું એ અમે નથી જાણતા?

સોમના૦ – ‘रामो लक्ष्मणमब्रवित्’ એટલાનોજ અર્થ કરો જોઈએ.

જીવ૦ – रामो लक्ष्मळमब्रवि ત...(છેલ્લો ત લંબાવીને બોલે છે.)

સોમના૦ – ‘त्’ ટૂંકો બોલવો કેમ કે તે ખોડો છે.

જીવ૦ – એમાં કાંઈ કઠણ અર્થ નથી, ‘રામો’ એટલે રામ, ‘લક્ષ્મણ’ એટલે લક્ષ્મણ અને ‘મબ્રવી’ તે સીતા.

સોમના૦ – શાથી જાણીએ કે મબ્રવી એટલે સીતા?

જીવ૦ – રામ અને લક્ષમણની જોડે સીતા વિના બીજી કઈ મબ્રવી હોય? એટલું અક્કલથી જાણીએ કે નહિ?

સોમના૦ – પછી त् રહ્યો તેનો શો અર્થ?

જીવ૦ – त् એટલે હનુમાન

સોમના૦ – શાથી જાણીએ કે त् એટલે હનુમાન?

જીવ૦ – જોને, त् નો પગ લંગડો છે કે નહીં?

રંગલો – શાબાશ! શાસ્ત્રી બાવા શાબાશ! આવા શાસ્ત્રી તો કાશીમાં પણ નહીં હોય !