પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોડાવ્યાં છે.

વાઘ૦—તમારૂં નામ શું?

કુતુબ૦—તુમારા નામ ક્યા?

વાઘ૦—મારૂં નામ તો વાઘજી.

કુતુબ૦—મેરા નામ કુતુબ—

રંગલો૦—તમારૂં નામ કુત્તા.

કુતુબ૦—નહિ નહિ,અબી મેં કહેતા હું. (અવળું જોઇને વિચારે છે.) અરે ખુદા! ઇસકા નામ વાઘ, ઓર મેરા કુતુબ, ઓ તો બડી શરમકી બાત. એસા નામ કેસે કહું?

વાઘ૦—કેમ મિયાં ? તમારૂં પોતાનું નામ તમે ભૂલી ગયા કે શું ?

કુતુબ૦—સુનો મેરા નામ મેં અબી કહેતા હું..

વાઘ૦—હાં, કહો.

રંગલો૦—વિચારીને કહેજો હો, મિયાંનું નામ કાંઈ જેવું તેવું નહિ હોય ?

કુતુબ૦—મેરા નામ "પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દસ બીસ બાઘખાં" એસા હમારા નામ હે.

વાઘ૦—વારૂ, ચાલો આપણે સોબતે ચાલ્યા જઈએ.

કુતુબ૦—તુમારે કીધર જાના હે ? ઓર ક્યા કામકું જાતે હો ?

વાઘ૦—કચ્છના રાવસાહેબની [૧] હું નોકરી કરૂં છું, તે એક મહિનાની રજા લઈને ગયો હતો, પણ સિંધના સુમરા લોકો ઉપર રાવસાહેબને ચડાઈ કરવી છે, માટે મારા ઉપર તાકીદનો હુકમ આવ્યો તેથી હું હજુરમાં જાઉં છું.

કુતુબ૦—અચ્છા, તુમેરા રાવસાહેબ અમકું નોકર રખેગા ?

રંગલો—ત્યારે તો પછી રાવસાહેબને બીજી ફોજ રાખવાની જરૂરજ પડે નહિ !

વાઘ૦—તમે શું કામ કરશો ? દફતરખાનામાં ઝાડુ કાઢવા રહેશો ?

કુતુબ૦—હમ પઠાનકી ઓલાદકા હે. એસી હલકી નોકરી કબી કરનેવાલે નહિ. હમ તો શમશેર બજાનેકી નોકરી કરેંગા. હમ જેસે તેસે નહિ હે. એકી બખત હજાર સ્વારૂંકા લશ્કર સામી લડનેકું આવે, લેકીન હમ હઠનેવાલે નહિ.

વાઘ૦—ઠીક છે, ત્યારે તમને નોકરીમાં રાખશે.

કુતુબ૦—(ચાલતાં) અબ તો પાનીકી પ્યાસ બોત લગી હે, મેરા જાન જાતા હે.

રંગલો—પણે પેલો પાડો મુતરે છે તે જઈને પીઓ.

વાઘ૦—હમણાં આગળ જતાં એક વાવ આવશે, તેમાંથી નિર્મળ પાણી પીજો.

કુતુબ૦—અરે ખુદા અબી તો કેતે દૂર વાવ હોયગી. મેં તો પ્યાસસેં મર જાતા હું.

રંગલો—પાણી પાણી કરતાં મરશે તો મિયાં ભૂત થશે.

વાઘ૦—અરે, "પાંચ સાત સાપોલિયાં, દસે બારે હાથી, ઓર દશ વીશ વાઘખાં"


  1. જ્યાં નાટક થતું હોય ત્યાંના રાજાનું નામ લેવું