પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાહેબ, હિંમત રાખો. હવે આ વાવ નજદિક આવી તેમાંથી તમારી બતક ભરી લેજો.

કુતુબ૦—હાં આઈ[૧] તો ખરી, તુમેરે પાની પીના હે ?

વાઘ૦—મેં તો હમણાંજ પેલા કૂવામાંથી પીધું છે. માટે હું આંહી ઊભો છું, તમે વાવમાં જઈને પી આવો.

કુતુબ૦—અચ્છા, તુમ ખડા રહીઓ. મેં જાતા હું. (મિયાં વાવ તરફ[૨] જઈને પાછા આવે છે.)

વાઘ૦—કેમ મિયાં ? પાણી પીધું કે નહિ ?

કુતુબ૦—(ધ્રુજતો ધ્રુજતો) અબી મેરેકું બોત પ્યાસ લગી નહિ હે. ચલો આગેં કે ગામમેં પાની પીએગા.

રંગલો—રામપરા ભંકોડાના કોળી બોળી વાવમાં છે કે શું ?

વાઘ૦—અરે પણ તમે પાછા કેમ આવ્યા ? કહો તો ખરા ? વાવમાં વાઘ બાઘ બેઠો છે કે શું ?

કુતુબ૦—હે તો એસા સહી.

રંગલો—હાય ! હાય ! મિયાંને વાઘ ખાઈ ગયો હોત તો ?

વાઘ૦—વાવમાં શું છે ?

કુતુબ૦—વાવમેં જરૂર દસ બીસ વાઘ હે.

વાઘ૦—તમે શાથી જાણ્યું ?

કુતુબ૦—હમ વાવપર ચડા તબ વાં દૂર, પાનીકે નજદિક, ઓ સાલા બડા અવાજ કરને લગા.

વાઘ૦—કેવો અવાજ કરવા લાગ્યા ?

કુતુબ૦—(ડોકી નમાવી નમાવીને) ડરાં ! ડરાં ! ડરાં ! એસા અવાજ કરતા થા.

રંગલો—(ચાળા પાડે છે.) વાઘ ડરાં ! ડરાં ! બોલતો હતો.

કુતુબ૦—ઓ તો હમ બડા સમશેર બહાદૂર હે, સો ઉસકું રોકડા જવાબ દેકર આયા. દુસરેકી ક્યા મગદુર, કે જવાબ દે શકે મિયાં !

વાઘ૦—તમે શો જવાબ દીધો ?

કુતુબ૦—હમને કીયા કે સાલે ડરાં ! ડરાં ! ક્યા કરતે હો ? હમ ડરને વાલા નહિ; ડરે ઓ તો દુસરા. હમારા બાવા બડી લડાઈમેં મર ગયે હે. જો મેરેકું પાની ભરના હોય, તો વાં તેરી નજદિક આકે પાની ડખોલકે ભર લેઉં. લેકિન જા, તુજે છોડ દેતા હું. એસા જવાબ દેકે હમ પીછા આયા.

વાઘ૦—ચાલો, હું તમારી સાથે આવું; એને તમે પાણી પીઓ.

કુતુબ૦—અપનેકું તો અબી પ્યાસ લગી નહિ હે. હમ વાવમેં પેઠને વાલા નહિ.


  1. પડદાની પાછળ વાવ છે એવી કલ્પના કરવી
  2. જો દેડકો બોલાવતાં કોઈને આવડતો હોય તો, પડદા પાછળ રહીને બોલાવવો, તે સાંભળીને મિયાં ભયભીત થાય.