પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રંગલો૦-

उपजाति वृत्त

वाचाळ जो वाद वृथा ज थापे,
तथापि ते सत्य करी ज आपे;
भरी सभामां शतवार भूले,
तथापि जीभे कदी ना कबूले. ६४

વાચાળ કદી બંધાય જ નહિ, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામભટ્ટ સંકડાશમાં આવ્યા. હવે છુટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા.


જીવ૦– તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું થયું ? પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરૂં.

રંગલો૦ – ત્યારે હવે તમારૂં સાચાપણું સાબિત કરો જોઇએ.

જીવ૦– સો રૂપીઆની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને સો રૂપિઆ આપીએ; અને જો તું જૂઠો ઠરે, તો તારી પાસેથી સો રૂપિઆ અમે લઈએ.

રંગલો૦ – જાદુગર અને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહિ, કહ્યું છે - કે તેની તદબીરો ઘણી હોય.

उपजाति वृत्त.

वाचाळशुं होड कदी न कीजे,
जादुगरोथी बळ बांधि बीजे;
सूझे न तेना सघळा शिरस्ता,
विचित्र तेना छळनी व्यवस्था. ६५

સોમ૦ – પાંચે આંગળા ખુલ્લાં રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે?

જીવ૦– તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી, અને પાંચમો તો અંગુઠો છે. આંગળી ક્યાં છે?

દેવબા૦ – (હળવે) સોમના૦, તારો વાટવો લાવ, તેમાં હળદરનો નમૂનો છે તે કાઢ.

જીવ૦– (કાન ધરીને સાંભળીને અવળું જોઈને) હં, વાટવો માગ્યો.

દેવબા૦ – (હળદરનો ગાંગડો લઈને) જીવરામભટ્ટ, આ મારા હાથમાં શું છે? કહો જોઈએ ?

જીવ૦– વારે વારે અમે નથી કહેતા, જાઓ.

દેવબા૦ – હવે એક વાર કહો, તમને મારા સમ.

જીવ૦– તે છે તે તમારે વાટવો છે.

દેવબા૦ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. (સહુ ખડખડ હસે છે)