પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦– અમારી આટલા વર્ષની ઉમ્મર થઈ તેમાં અમે કદી, કોઈ ઠેકાણે જૂઠા ઠર્યા નથી. શી રીતે જૂઠા પડ્યા, કહો જોઈએ?

રંગલો૦ – જીવરામભટ્ટ કદી જૂઠા પડેજ નહિ.

દેવબા૦ – આ તો હળદરનો ગાંગડો છે ને તમે પાન સોપારીનો વાટવો કેમ કહ્યો?

જીવ૦– તમે ઘરડાં થયા માટે અમે જાણીએ છીએ કે તમારૂં કાનપરું ઉજડ થયું છે. તમે પુરૂં સાંભળતાં નથી, તમારો વાંક નથી, ઘડપણમાં સઉને એમ થાય. કહ્યું છે કે (આ છપ્પો બોલતાં, ભુજ, પા વગેરે શબ્દો બોલતાં તે તે અંગ ઉપર હાથ ધરી બતાવે છે.)

छप्पो.

भुजनो भागे भ्रम, पडे पावागढ पोचो;
पेटलादमां पाक; न पाके, लागे लोचो;
जूनागढ[૧]नी जुक्ति बधी बदलाई जाशे;
कपडवणजनी कशी नहि खरखबर रखाशे;
खळभळशे बळ खंभातनुं, कापनपरुं काचुं थशे;
छेल्ली वयमां कछ छूटशे सूरत सर्व जर्जरी जशे. ६६

દેવબા૦ – શાથી જાણ્યું કે અમે બહેરાં છીએ?

જીવ૦– અમે ક્યારે કહ્યું કે પાન સોપારીનો વાટવો છે?

દેવબા૦ – ત્યારે તમે શું કહ્યું?

જીવ૦– અમે તો કહ્યું કે, તમારે વાટવો છે, વાટ્યા વિના આખો ને આખો વાપરવો નથી.

રંગલો૦ – જુઓ જીવરામભટ્ટ સાચા ઠર્યા ખરા.

ગંગા૦ – (લોટો લઈને) જીવરામભટ્ટ, આ મારા હાથમાં શું છે?

જીવ૦– તમારા હાથમાં ધૂળ છે.

ગંગા૦ – હવે હાર્યા કે?

જીવ૦– તમે હાર્યા, અમે તો કાંઈ હાર્યા નથી.

રંગલો૦ – જીવરામભટ્ટ હારે જ નહિ.

ગંગા૦ – ત્યારે કહોને મારા હાથમાં શું છે?

જીવ૦– કહ્યું નહિ કે તમારા હાથમાં ધૂળ છે.

ગંગા૦ – આ તો પીતળનો લોટો છે.

જીવ૦– અજ્ઞાની સાથે શી વાત કરીએ? જ્ઞાની હોય તે સમજે.

ગંગા૦ – કેમ વારૂ?

જીવ૦– તમારી આંખમાં વિકાર છે માટે માટે તમે લોટો દેખો છો, નહીં તો કહ્યું છે કે -


  1. જૂઓનો ગઢ - માથાના વાળ.