પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦– તેણે કહ્યું કે ત્યારે તો મહારાજ, કોળી લોકો રાતમાં ખાતર પાડીને તમે સૂતા હો તે ખાટલા સુદ્ધાં, જેમ ચિત્રલેખા અનિરુદ્ધને ઉપાડી ગઈ હતી, તેમ તમને ઉપાડીને લઇ જઇને પરદેશમાં વેચી આવે, તો તેને બે હજાર રૂપિઆ મળે. કેમકે તમને વેચાતા રાખનારને રોજ પાંચ રૂપિઆભાર રૂપું મળે.

સોમના૦ – બીજા કોઈ તે વખતે ત્યાં હતા કે?

જીવ૦– કોળીલોકો રાત્રે ચોકી કરવા આવેલા, તેઓ ત્યાં હતા.

સોમના૦ – ત્યારે તો કોળીલોકો, રાતમાં તમારો ખાટલો ઉપાડી જઈને તમને પરદેશમાં વેચી આવશે તો શું કરશો?

જીવ૦– અરે! દશ કોળી આવ્યા હોય, તો હું એકલો અનિરુદ્ધની પેઠે ભોગળ લઈને ઘૂમું, ને તેઓને મારીને કાઢી મૂકું, એમનો શો ભાર છે?

દેવબા૦ – (ખાટલો પાથરી આપે છે) જીવરામભટ્ટ હવે તમે આ ખાટલા ઉપર સૂઈ રહો. આ પાણીનો લોટો તમારે વાસ્તે ભરીને મૂક્યો છે. હવે તમારે કાંઈ જોઈએ છે?

રંગલો૦ – જીવરામભટ્ટને ખાસડાંનો માર જોઈએ છીએ.

જીવ૦– ના, હવે કાંઈ જોઈતું નથી. જાઓ તમે તમારે સૂઈ રહો, ઘણી રાત ગઈ છે.

ગંગા૦– (હશીને) જાગતા સૂજો, ચોર લોકો આવીને તમને ઉપાડી જાય નહિ.

જીવ૦– તમે જાગતા સૂજો, તમને ઉપાડી જાય નહિ.

ગંગા૦ – હવે હું મારે ઘેર જાઉં છું.

દેવબા૦ – સવારે આવજે.

ગંગા૦ – અરે જીવરામભટ્ટ આવ્યા છે માટે સવારે તો બધા મહોલ્લાની બાઇડીઓ અને છોકરાં જોવા આવશે, અને હું પણ આવીશ.(તે જાય છે)

(પથારીઓ કરીને સઉ સૂઈ રહે છે)

જીવ૦– (વિચારે છે) હજી સુધી ઈશ્વરે આપણો ટેક રાખ્યો છે, હજી આપણી ખોડ કોઈના જાણવામાં આવી નથી.

રંગલો૦ – બે પગે ચાલે એટલાં જ માણસો જાણે છે.

જીવ૦– હવે દહાડો ઉગ્યે સૂતા ઉઠીશું, એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છીએ.

રંગલો૦ – (ઠગનો પાદશાહ)

જીવ૦– તો પણ આજની રાત જાય, ત્યારે પાર પડ્યા કહેવાઈએ. કહ્યું છે કે,

उपजाति वृत्त.

जरातरा जोखममांहि छैये,