પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

त्यां सुधी चिंता चित्तमध्य लैये;
अपार सिंधु जळ नाव तारे,
कदापि बुडे पछी जै किनारे. ६९

જીવ૦– (ઊંઘી જાય છે, તેના નસકોરાં જોરથી બોલે છે)

રંગલો૦ – હવે બધાં શબાકાર થઈ ગયાં.

--<0>--

चौर्य प्रसंग

જીવ૦—( જાગીને ) અરે પ્રભુ ! લઘુશંકા કરવા ખાળે જવાની જરૂર છે. હવે ખાળ શી રીતે જડશે? કદાપિ ખાળે જઈ પહોંચીએ, પણ પાછા આવતાં આ ખાટલો નહિ જડે, અને કોઈક બીજાની પથારીએ જઈ ચડીએ, તો મોટી ફજેતી થાય. હવે શું કરવું? હે ઇષ્ઠ દેવ, હવે તું મારી લાજ રાખજે. વારૂં, આ પાઘડીનો છેડો ખાટલાના પાયા સાથે બાંધીએ, અને બીજો છેડો હાથમાં રાખીને ખાળે જઈએ. ( તેમ [૧] કરે છે.) ( વચમાં પાડી આવીને પાઘડી ચાવીને બે કટકા કરે છે. )

જીવ૦—અરે પ્રભુ ! હવે શું કરીશું ? ખાટલો શી રીતે જડશે ? હવે પૂરી ફજેતી થવાની ! ( ફાંફાં મારતો સાસુના ઉપર જઈને પડે છે. મશાલ બુઝાઇ જાય છે. )

દેવબા૦—( બુમ પાડીને ) અરે ! ચોર છે ! જાગો ! જાગો ! ( એમ કહીને નાસે છે. )

સોમના૦—મારો ! મારો ! મારો ! માજી દીવો કરો, દીવો કરો ! ( ઝાપટે મારે છે. )

રઘના૦—પોલીસના સિપાઇઓ આવી પહોંચ્યા પહેલાં ખૂબ હાથરસ લઈ લો. એના શરીરનું એકે હાડકું સાજું રાખશો નહિ. ( ઝાપટે તથા લાકડીએ મારે છે. )

રંગલો૦—મારો ! મારો ! મારો ! ( તે પણ મારે છે. )

જીવ૦—અરે હું છું ! એ તો હું છું ! મેં સાસુજીને લાત મારી હતી, માટે માફી માગવા આવ્યો છું. ( તે કોઈ સાંભળતું નથી. )

રઘના૦—ચોરીની માફી હોય નહિ, મારો ! મારો ! મારો !

દેવબા૦—દોડજો ! દોડજો ! ચોર છે ! ચોર છે !

પોલિસના બે સિપાઈઓ૦—( બારણાં ઠોકે છે[૨] ) બારણાં ખોલો, બારણાં ખોલો.

દેવબા૦—( બારણાં ઉઘાડે છે. )

સિપાઈ૦—( આવીને ) કીધર હે ચોર ? કીધર હે ચોર ?

સોમના૦—આ રહ્યો સાહેબ ! આ રહ્યો સાહેબ !

રઘના૦—પકડી જાઓ, પકડી જાઓ.

સિપાઈ૦—( પકડીને હાથ બાંધે છે, અને બીજાં સઉ કલબકાટ કરે છે. )

  1. માથે ચાદર ઓઢીને જાય.
  2. પડદા પાછળ રહીને બોલે