પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફોજદા૦—હા મહારાજ, હા. બે હજાર રૂપૈયાની ચોરી, તે શું ન્હાનીસૂની વાત છે? એ તો તમ જેવા ગરીબ માણસને મનખાના ગયા જેવું.

જમાદા૦—(આવીને) ખાવિંદ એ તો મૂઆ જેસા હો ગયા, લેકીન કુચ્છ મુદ્દા કબૂલ કરતા નહિ.

રંગલો—હજી કાચું હશે. છેક મરી ગયો નહિ હોય.

ફોજદાર—ત્યારે આપણે શું કરીએ? ભોગ બિચારા ગરીબ બ્રાહ્મણોના. એનાં નશીબ.

રઘના૦—અન્નદાતા, અમે માર્યા જઇએ છીએ.

ફોજદા૦—ભોગ તમારા ! હવે અમે શું કરીએ?

સોમના૦—હજી બેક વધારે ધમકી દેવરાવો તો?

ફોજદાર—હવે વધારે તે કેટલી ધમકી દેવરાવીએ? કહે છે કે આ ચોર મૂઆ જેવો થઇ ગયો. કદાપિ કાચી કેદમાં મરી જાય, તો અમે ગુન્હેગાર ઠરીએ; અને તમારા સારૂ નોકરી ખોઇ બેશીએ. પછી ત્રણ ખૂણાની ટોપી કોઇની નહિ, તે તમને ખબર છે?

રઘના૦—ત્યારે શું કચેરીમાં આવીને તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે?

ફોજદા૦—કચેરીમાં તો કોઇ કબૂલ કરે નહિ.એવો કોણ ગાંડો હોય કે જાણી જોઇને ચોર થાય? તમારી તરફનો પૂરાવો મજબૂત હશે તો તે ચોરને કેદની શિક્ષા થશે;પણ ચોરીનો માલ હાથ આવવાનો નહિ.

સોમના૦—ચોરને કેદની શિક્ષા થાય, એમાં અમારા ઘરમાં શું રંધાયું?

રઘના૦—(સોમનાથના કાનમાં) જરૂર! જમાદારને તે ચોરે લાંચ આપી. નહિ તો બીજા લોકોની ચોરીનો મુદ્દો કબૂલ કરાવે છે, અને આપણો કેમ કબૂલ ના કરાવે?

રંગલો—(સભા સામે જોઇને) આ ગામના ફોજદાર કે તેમના કારકુન કોઇ આટલામાં છે કે? કેમ સાહેબ તમને એમાંથી કંઇ મળવાનું ખરૂં કે? જો મળવાનુ હોય તો તેમાંથી આ નાટક મંડળી ઉપર પણ કાંઇક મહેરબાની કરજો.

રઘના૦—તેથીજ ફોજદાર ઢીલું મૂકે છે તો.

ફોજદા૦—(જમાદારને) હશે, તે ચોરને કચેરીમાં લાવો.

જમાદા૦—ખાવિંદ, ઓ ચલ સકે એસા નહિ હે. બોત આજારી હે.

ફોજદા૦—વારૂ, ખાટલામાં ઘાલીને લાવો.

(જમાદાર તથા સિપાઇ બંને જઇને ખાટલામાં ઘાલીને ઉપર ચાદર ઓઢાડીને લાવે છે)

ફોજદા૦—પણે એક ખુણે ખાટલો મૂકો. (તેમ મૂકે છે.)

રંગલો૦—અરે! લઇ જાઓને પરભાર્યા મસાણમાં; નહિ તો આ કચેરીના લોકોને અભડાવશે.

જીવરા૦—(ઝીણા સ્વરે) અરે! મને મારી નાખ્યો રે બાપ !

રંગલો૦— આ મિથ્યાભિમાનનું ફળ.