પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
विष्कंभक

પ્રવેશ ૧ લો
સ્થળ—વગડો.
રંગલો અને સૂત્રધાર.

-----

રંગલો’ (નાચતો નાચતો આવે છે.)

ગાનારા—(ગાય છે) તતથેઈ, તતથેઈ, તતથેઈયા (૪ વાર)

રંગલો—તાથેઈ, તાથેઈ, તાતાથેઈ ભલા. (ઉભો રહે છે.)

સૂત્રધાર—અરે તું કોણ છે ? પગે ઘુઘરા, માથે મોરનાં પીછાં અને લીમડાનાં પુંખડાં ખોસ્યાં છે. તું તે આ જંગલનું જનાવર છે કે માણસ છે ?

રંગલો—માણસમાં માણસ થાય, અને જનાવરમાં જનાવર થાય ?

સૂત્ર૦—માણસમાં માણસ ને જનાવરમાં જનાવર શી રીતે થાય ?

રંગલો—કહ્યું છે કે: —

इंद्रवज्रा वृत्त
सारे प्रसंगे जन थाय सारा, नीचा प्रसंगे निपजे नठारा;
जो जै वसे वास जनावरोमां, तो थाय तेवा गुण ते नरोमां.

હવે હું તમારી સોબતમાં આવ્યો છું, માટે જેવા તમે હશો તેવો હું થવાનો.

સૂત્ર૦—તારૂં નામ શું ? ભાભો,[૧] રાજનગર[૨] કે રળિયો ગઢવી ?

રંગલો—અરે સૂત્રધાર, નાયક, મારૂં નામ તો વિદૂષક છે, પણ ગુજરાતમાં મને સઉ રંગલો કહે છે.

સૂત્ર૦—તું કોઇ પ્રકારની વિદ્યા જાણે છે કે ?

રંગલો—હા, હું હાસ્યરસને પુષ્ટિ કરવાની વિદ્યા જાણું છું.

સૂત્ર૦—વાહવાહ ! ત્યારે તો બહુ સારૂં થયું. આજ આ ઠેકાણે હાસ્યરસમાં નાટક થવાનું છે, માટે તું તેમાં હાસ્યરસની પુષ્ટિ કરીશ ?

રંગલો - હાજી, એ તો કામ બંદાનું જ છે. હાસ્યરસના નાટકમાં તો બંદા વિના ચાલેજ નહિ.

સૂત્ર૦—અરે તું એટલી બધી મગરૂરી શા વાસ્તે રાખે છે ? વડોદરામાં એવા મશ્કરા છે કે તને તો પગે બાંધીને ઉડે ! તું પણ મિથ્યાભિમાની દેખાય છે.

રંગલો—તમને હજી આજજ ખબર પડી કે ?

  1. અમદાવાદ જીલ્લાના રાણીસરનો ચારણ હતો. તે પ્રખ્યાત મશ્કરો હતો. તેની કહાણીઓ વિલાયતના મશ્કરા બર્થોલ્ડના જેટલી લોકોમાં ચાલે છે.
  2. કચ્છમાં એક રાજનગર બ્રાહ્મણ હતો, તેનો પોશાક હસવા જેવો હતો તેથી તેનું નામ પ્રખ્યાત છે.