પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોમના૦—તેનું ઘર તો અહીંથી વેગળું છે, માટે ત્રિકમલાલને જ તેડી લાવું?

રઘના૦—ઠીક છે જા, ઝટ ઉતાવળો આવજે. (તે જાય છે.)

દેવબા૦—જીવરામભટ્ટ, તમે શી રીતે પકડાયા ?

જીવ૦—(છેક હળવે બોલે છે, માટે તે સઉને રઘનાથ કહી સંભળાવે છે.) હું રાતમાં લઘુશંકા કરવા ઉઠ્યો હતો, તે ખાટલાના પાયા સાથે પાઘડીનો એક છેડો બાંધીને બીજો છેડો હાથમાં રાખ્યો હતો, પણ વચમાંથી પાઘડી પાડીએ ચાવી ખાધી, તેથી તૂટી ગઇ તેથી હું તમારા ઉપર આવીને પડ્યો, એટલે તમે બૂમ પાડીને નાઠાં, કે ચોર છે ! ચોર છે !

દેવબા૦—તમે બોલ્યા નહિ કે, એ તો હું છું?

જીવ૦— મેં ઘણુંએ કહ્યું કે હું છું; પણ તે સોરબકોરમાં મારો બોલ કોઇએ સાંભળ્યો નહિ; અને ઘણું તો હું શરમમાં પડ્યો, તે બોલી શક્યો નહિ.

દેવબા૦—મેં એવું સાંભળ્યું હતું ખરૂં, કે હું માફી માગવા આવ્યો છું. તે શું તમે કહેતા હતા ?

જીવ૦— હા, હુંજ કહેતો હતો.

રંગલો૦—આઅગળ તો " અમે કહેતા હતા, અને અમે ચાલતા હતા" એમ મિજાજમાં બોલતો હતો. હવે કહે છે કે "હા, હું કહેતો હતો."

શેની માફી માંગતા હતા ?

જીવ૦—મેં જમતી વખતે તમને લાત મારી હતી, તેથી પછી જ્યારે હું તમારા ઉપર પડ્યો, ત્યારે, મારા મિથ્યાભિમાનને ખોડ ઢાંકવા સારૂં હું કહેતો હતો કે મેં તમને લાત મારી છે, તેની માફી માગવા આવ્યો છું.

રઘના૦—મેં જાણ્યું કે ચોરે ચોરી કરી છે, તેની માફી માગે છે.

સોમના૦—તમે રાતે દેખતા નથી, ત્યારે મને જગાડીને કહીએ નહિ કે મારે ખાળે જવું છે? ઓ હું તમને ખાળે લઇ જાત.

જીવ૦—હવે મને ઘણોય પસ્તાવો થાય છે, કે એમ કર્યું હોત તો ઠીક.

રંગલો૦

दोहरो

जे मति पीछे उपजे, ते मति आगे होय;
काज न विनसे आपनो, दुर्जन हसे न कोय। ७०

રઘના૦—દીવો નહોતો, તેથી અંધારામાં મેં આને સોમનાથે પણ તમારા ઉપર લાકડીઓના ઝપાટા માર્યા.

રંગલો૦—અને વળી બંદાએ કચાશ રાખી છે?

જીવ૦—અરે કાચી કેદમાં આખી રાત જે મેં જે પીડા ભોગવી છે, તેવી તો જમપુરીના કુંડમાં પણ નહિ હોય.