પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦—ત્યાં શું તમને સિપાઇઓએ માર્યા હતા.

રંગલો૦—માર્યા નહોતા. પાટલે બેસારીને પૂજા કરવા લઈ ગયા હતા.

જીવ૦—અરે ! ત્યાં એક લીમડાની ડાળે દોરડું બાંધી મૂકેલું છે, ત્યાં મને નવસ્ત્રો કરી ઊંધે માથે લટકાવ્યો.

રંગલો૦— ત્યારે દિગંબરાસન થયું

જીવ૦—અને ચારે તરફથી સિપાઇઓએ ધોકાના માર મારીને મારી પાંસળીઓ ભાંગી નાખી.

જીવ૦— ઠીક કર્યું.

જીવ૦—મને કહે કે બીજા ચોરોનાં નામ બતાવ, અને ચોરીનો માલ બતાવ. હું કેનું નામ દઉં ? ને શો માલ બતાવું ?

રંગલો— આ રઘનાથભટ્ટનું નામ દેવું હતું, અને મલમાં દેવબાઇ બતાવવાં હતં, કેમકે તેમણે પોતાની આબરૂ વાસ્તે ઊંચા કુળનો નઠારો વર જોયો માટે તે પરમેશ્વરના ઘરનાં ચોર છે.

જીવ૦—હું નામુકર જાઉં, તેમ તેમ સિપાઇઓને વધારે ગુસ્સો ચડાતો હતો, અને કહેતા હતા કે ખૂબ માર ખાશે ત્યારે માનશે.

રંગલો૦—ખરી વાત. ખૂબ માર ખાધો ત્યરે હવે માન્યું કે મિથ્યાભિમાન છે તે ખોટું છે. તે પહેલાં ક્યાં મનાતું હતું.

દેવબા૦—પછી તમને ક્યારે છોડ્યા ?

જીવ૦—પરોઢિયે હું છેક બેહોશ થઇ ગયો ત્યારે મને છોડીને ભોંય પર નાંખ્યો.

રંગલો૦—તે વખતે તો ખરેખરૂં ' शवासन ' થયું હશે

જીવ૦—પણ વળી સવારના દસ વાગતાં મારામાં લગાર ચેતન આવ્યું, એટલે વળી મને મારવા માંડ્યો.

રંગલો૦—એ તો ચડતા પહોરની ષોડશોપચાર પૂજા કરી.

જીવ૦—મોઢા ઉપર લાતો મારી.

રંગલો૦—એ મોઢું એજ લાગનું હતું

જીવ૦—મને મા બહેન સામી ગાળો દીધાનો તો પારજ રાખ્યો નહિ.

રંગલો૦—એ તો દેવબાઇએ વીવામાં ફટાણાં થોડાં ગાયાં હશે, તે સિપાઇઓએ પૂરા કર્યા.

દેવબા૦—અરર! મારા પીટ્યા સિપાઇઓ મહા જૂલમી.

રંગલો૦—સિપાઇઓ કાંઇ જૂલમી નથી. મિથ્યાભિમાન મહાજૂલમી છે, એમ જાણવું.

જીવ૦—મને પ્રત્યક્ષ કાળ—જમના દૂત જેવા લાગ્યા. તોપણ હું તેઓનો વાંક કાઢતો નથી, કેવળ મારા મિથ્યાભિમાનનોજ વાંક કાઢું છું.

રંગલો૦—હવે સમજ્યો.

જીવ૦—જે કોઇ મિથ્યાભિમાન ધરશે, તેને પરમેશ્વર, છતે દેહે અથવા નરકમાં,