પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અથવા વેચાતો લઇને, એક બે મહિના સુધી ખૂબ મિષ્ટાન્ન તથ મશાલા ખવરાવીને શરીરે પુષ્ટ કરીને, પછી તેને મધની ભરેલી કોઠીમાં નાખે છે; અને બે ત્રણ મહિના રહેવા દઇને, તેનું માંસ અને મધ કાલવે છે તેની મુમઈ [૧] થાય છે. તે બહુ પુષ્ટિકારક હોય છે, માટે મોટા મોટા સાહુકારો ઘરમાં રાખે છે.

રંગલો— ત્યારે આ વૈદ્યરાજને પકડીને લઈ જાય તો તેની સાત આઠ મણ મુમાઇ થાય, કેમકે તે શરીરે બહુ જાડા છે.

દેવબા૦—વૈદરાજ એમન ગ્રહ કેવા છે ? તે જુઓને.

વૈદ્ય— (ટીપણું કાઢે છે.)

રઘના૦— વળી ટીપણું પણ રાખો છો કે?

વૈદ્ય—વૈદ્યને બધુંય જોઇએ; અને ખરેખરી તો ઇષ્ટ ઉપાસના જોઇએ. તે હોય તો ચુલામાંની રાખનું પડીકું બાંધીને આપે પણ ગમે તેવો રોગ હોય તો મટી જાય છે.

દેવબા૦— તમારે કયા ઇષ્ટની સાધના છે?

રંગલો—પૈસા દેવની.

વૈદ્ય—આજ કળિજુગમાં જેમ જ્યોતિષ અને વૈદક સ્થૂળ પડી ગયાં છે, તેમ મંત્રશાસ્ત્ર પણ સ્થૂળ પડી ગયાં છે; અને જેમ વૈદકમાં રેચ અને જ્યોતિષમાં ગ્રહણ, એ બેજ આજ સાચાં પડે છે, તે શિવાય વૈદકનું કે જ્યોતિષનું કળિજુગમાં કશું સાચું પડતું નથી; તેમજ कलौ चंडी विनायकौ કળિજુગમાં ચંડી કે ગણપતિ, એ બે જ ઇષ્ટ ફળે છે. બીજા દેવોમાં હવે જીવ રહ્યો નથી, માટે અમારે ચંડીની ઉપાસના છે. તેના પ્રતાપથી રળી ખાઇએ છીએ. અને કોયલાની કાળી રાખ, લાકડાની ધોળી રાખ તથા છાણની રાખ, તે ત્રણેને અજમો વાટી લુગડે ચાળીને જુદી જુદી ડાબડીઓ ભરી મૂકીએ છીએ, અથવા ગોળીઓ કરીએ છીએ તેનાં નામ मदन स्तंभनी. वज्रपाचनी, ज्वरांकुश એવાં એવાં પાડીએ છીએ. તેથી રોગી સાજા થાય છે અને આપણને જશ અંબાના પ્રતાપથી મળે છે.

રંગલો—ત્યારે વૈદકશાસ્ત્ર તો બધું જૂઠું કે ?

વૈદ્ય—એ સાચું પડતું હોય તો વૈધકમાં તો સોનું બનાવવાની ક્રિયા પણ લખેલી છે.

રંગલો—સોનું બનતું હોય ત્યારે તો વૈદ્યનાં ઘર સોનાનાં થાય જ તો ? પછી શું કરવા કોઈની નાડ ઝાલવા જાય ?

દેવબા૦—હવે જુવોને, આને કેટલા દહાડાની કઠણ દશા છે.

વૈદ્ય— (મેખ, વરણ, ગણીને) ચૌદશ, અમાસ ને પડવો ત્રણ દહાડા જાય તો પછી કાંઇ ફીકર નથી.

રંગલો—એ તો સઉ જાણે છે કે આ ત્રણ દહાડા જીવનાર નથી.

  1. એ તો ગપ છે , મુંબાઇ શહેરમાં પણ મુમઇ થાય છે, તે રાળ, ભીલામા, માણસના માથાના વાળ, કસ્તુરી અને અંબર વગેરેને તેલમાં રાંધે છે, માર વાગ્યા ઉપર, મુમઇ વાલ બે ઘીમાં કકડાવીને લૂગડે ગળીને પાય છે, તે ઘીમાં ઓગળી જાય છે. અમદાવાદમાં પણ થાય છે.