પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦— તમે કાંઇ ઓષડ આપોને ?

વૈદ્ય— આજ બુધવાર છે. બુધે બેવડાય, માટે આજ ઓષડ અપાય નહિ.

દેવબા૦—હવે એટલું કહોને કે આખર રૂપાનો રૂપૈયો છે કે તાંબાનો!

જીવ૦—(આંખ થરડાય છે.)

વૈદ્ય૦—ખરેખરૂં કહેતાં મારી જીભ કેમ ઉપડે ?

દેવબા૦—હવે શું ? જે થવા કાળ હતું તે થયું. તેમાં તમે શું કરો ? ને અમે પણ શું કરીએ?

વૈદ્ય— શ્વાસ થયો છે અને આંખો થરડાય છે. હવે તો બાઈની ચુંદડીએ સત હોય તો બચે. અંબાજીની બાધા રાખો; અને જ્યાંસુધી લગારે જવાબ દઇ શકે ત્યાં સુધીમાં કાંઇ પૂછવું ગાછવું હોય તે પૂછી લો; અને દાન પુણ્ય કરવું હોય તે કરો. હવે ઓષડની વાત જવા દો.

રઘના૦—વૈદ્યરાજ ખરૂં કહે છે. હવે તો એજ કરવું.

દેવબા૦— જો જીવરામભટ્ટ સાજા થશે, તો હું અણવાણે પગે ચાલીને અંબાજીની જાત્રા કરીશ, અને આજથી ત્યાં સુધી કાંચળી નહિ પહેરૂં.

રંગલો— પણ મને જમાડજો.

દેવબા૦—વૈદ્યરાજ જુઓને આજ શી તથ છે ?

વૈદ્ય— (ટીપણું જોઇને) જીવરામભટ્ટ પુણ્યશાળી તો ખરા.

દેવબા૦—કેમ વારૂ ?

રંગલો—તે વિના કેદનું સુખ ક્યાંથી મળે ?

વૈદ્ય—આજ एकादशीनो પવિત્ર દહાડો છે. આજ વૈકુંઠના દરવાજા ઉઘડા રહે છે માટે આજ જે મરે તે પાંશરો વૈકુંઠમાં જાય.

રંગલો—આવા મિથ્યાભિમાની અને ઠગ વૈકુંઠમાં ન જાય તો પછી બીજા કોણ જશે ?

વૈદ્ય—પણ એક કહેવાનું છે.

દેવબા૦—વળી શું કહેવાનું છે?

વૈદ્ય—આજ પંચક છે. માટે જો પંચકમાં એક મરે તો, તે મહિનામાં બીજાં ચાર જરૂર મરે. તેમાં પહેલું धनिका ઘરપંચક કહેવાય, તેમાં કોઇ મરે , તો તેના ઘરમાંથીજ બીજાં ચાર મરે; અને બીજું शतभिषा મહોલ્લા પંચક, ત્રીજું पूर्वाभाद्रपद સગાપંચક, ચોથું उत्तराभाद्रपद નાતપંચક; અને પાંચમું रेवती ગામ પંચક કહેવાય.

દેવબા૦—ત્યારે આજ કેટલામું પંચક ?

વૈદ્ય—આજે ચોથું નાત પંચક છે, માટે તમારી નાતમાંથી બીજાં ચાર મરશે.

રંગલો—ઠીક થયું. એકેકા પછવાડે ત્રણ ત્રણ દહાડા જમવાનું ઠરશે, તો પણ મારા જેવાને પંદર દહાડા સુધી મિષ્ટાન ચાલશે.

દેવબા૦—(ગુસ્સાથી) તને વારે વારે જમવાનું બહુ સાંભરે છે. ન્હાની બાળક છોડીને