પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
મોત્સાર્ટ અને બીથોવન
 

માલિકને પસંદ છે – જાડી, અદોદળી, પાતળી, ઊંચી. પણ શિયાળામાં પાતળી પસંદ કરે છે અને ઉનાળામાં જાડી. વળી બાર વરસની છોકરીથી માંડીને બ્યાસી વરસની ડોસીને પણ એણે છોડી નથી. નાનકડી કુમારિકાથી માંડીને અનુભવી પીઢ મહિલાઓ સુધીની વિશાળ શ્રેણી જિયોવાનીની લપેટમાં ફસાઈ ચૂકી છે. ચામડીના હરેક રંગો પસંદ છે; ગોરો, ગુલાબી કે ઘઉંવર્ણ.”

પોતાના માલિકની મર્દાનગીની જાહેરાત પૂરી કરીને તરત જ લેપોરેલો છૂ થઈ જાય છે. પોતાને ફરીથી તરછોડીને નોકરને હવાલે કરતા જિયોવાની પર ફિટકાર વરસાવીને એલ્વિરા બદલો વાળવાનો મનસૂબો પાકો કરે છે.

પછીના દૃશ્યમાં ગામડામાં એક લગ્નપ્રસંગની મિજબાની અને ઉજાણી અને નાચગાન દેખાય છે. ગ્રામસુંદરી ઝર્લિનાનાં લગ્ન એક ખડતલ ગામડિયા માસેતો સાથે આવતી કાલે થવાનાં છે. ત્યાં જ જિયોવાની અને લેપોરેલો આવી પહોંચે છે. વિશાળ સંખ્યામાં રૂપસુંદરીઓ જોઈને જિયોવાની પ્રફુલ્લિત થઈ જાય છે. મારેતો અને ઝર્લિના સાથે એની ઓળખાણ થાય છે. મારેતો મૂરખ છે પણ ઝર્લિના ખૂબ ચાલાક અને જન્મજાત નખરાંબાજ છે. પરસ્પર કાંઈ પણ સ્પષ્ટતા કર્યા વિના જ જિયોવાની અને ઝર્લિના વચ્ચે એક મૂંગી સમજણ સ્થપાય છે. જિયોવાની માસેતોને સમગ્ર ગ્રામજનો સહિત પોતાના મહેલમાં ચૉકલેટ અને કૉફીનું આમંત્રણ આપે છે; પણ ઝર્લિના ભલે અહીં પોતાની સુરક્ષા હેઠળ રહે એમ કહે છે તેથી મારેતો ગિન્નાય છે. લેપોરેલો માસેતોને ખાતરી આપે છે કે જિયોવાની ઝર્લિનાની ખૂબ સારી સંભાર લેશે; જિયોવાની તો લશ્કરનો સૈનિક છે. જિયોવાની પોતાને કેડે બાંધેલી તલવારની મૂઠ પર પંજો મૂકી સત્તાનો રોફ બતાવી મારેતોને સાનમાં ધમકી આપે છે કે સત્તા આગળ શાણપણ નકામું છે. નિરાશ મારેતો દર્દભર્યું ગીત ગાઈને પોતાના આમંત્રિત ગ્રામજનોને લઈને લેપોરેલો સાથે નીકળી પડે છે.