પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ - ૬
ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)

ખ્રિસ્તી ધર્મ ત્યાગીને મોત્સાર્ટે ધારણ કરેલા નવા સંપ્રદાય ફ્રીમેસનરી સાથે આ ઑપેરા સંબંધ ધરાવે છે. ફ્રીમેસનરી સંપ્રદાય વિશે કંઈ પણ જાણતા ના હોય તેવા શ્રોતાને પણ આ ઑપેરાના રસાસ્વાદમાં કોઈ જ અડચણ મહેસૂસ થતી નથી, તે છતાં થોડી માહિતી રસપ્રદ બની રહેશે :

મૅસન – કડિયા શબ્દ પરથી ફ્રીમેસનરી નામ પડ્યું છે. આ સંપ્રદાયનું મૂળ નામ છે : Free and Accepted Masons. મધ્યયુગના અંતે નવા કથીડ્રલો બાંધવાની પ્રવૃત્તિ મંદ અને પછી બંધ પડતાં બેકાર કડિયાઓ અને સ્થપતિઓએ આ સંપ્રદાયનો પ્રારંભ 1717ના જૂનની ચોવીસમીએ લંડનમાં સંપ્રદાયના પહેલા લૉજ(Lodge - કેન્દ્ર)ની સ્થાપના વડે કર્યો. સેંટ જ્હોન ધ બૅપ્ટિસ્ટના અનુયાયી પંથે એને પનાહ આપેલી. અઢારમી સદીમાં આ સંપ્રદાયનો વ્યાપક ફેલાવો યુરોપ અને અમેરિકામાં થયો. 1731માં જર્મન ફ્રાન્સિસ લોરાંએ ફીમેસનરી સંપ્રદાય અંગીકાર કર્યો પછી તો જર્મનીમાં પણ તેનો ઝડપથી પ્રસાર થયો. (ફ્રાન્સિસ લોરાં 1736માં સામ્રાજ્ઞી મારિયા થેરેસાને પરણીને સમ્રાટ બનેલો.) પણ 1738માં પોપે ફતવો કાઢીને આ સંપ્રદાયને અનીતિભર્યું પાપ ગણાવ્યો તથા એની ઉપર પ્રતિબંધ મૂક્યો; કારણ કે એકેશ્વરવાદી અને આત્મામાત્રની અમરતામાં માનતો ફ્રીમેસનરી સંપ્રદાય પ્રાચીન ગ્રીક અને ઈજિપ્શિયન પુરાણકથાઓ અને દેવદેવીઓને પણ સમાવી લેતો હોવાથી રોમન કૅથલિક ચર્ચની દષ્ટિએ તે (સંપ્રદાય) પૅગેન (Pagan – નાસ્તિક-નિરીશ્વરવાદી) હતો. એ

૧૦૫